આરબીઆઈની પોલિસી ઉપર બજારની નજર, સેન્સેક્સમાં ફરી કડાકાની શક્યતા

શેરબજાર ગઈ કાલે છેલ્લે મોટા ઘટાડે બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૮૩૯ પોઇન્ટના ઘટાડે ૩૫,૦૬૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૫૬ પોઇન્ટના ઘટાડે ૧૦,૭૬૦ પોઇન્ટના મથળે બંધ જોવાઇ હતી. એ જ પ્રમાણે બેન્ક નિફ્ટીમાં પણ ૭૬૯ પોઇન્ટનો કડાકો જોવાયો હતો.

સરકારે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખવાની જાહેરાતના પગલે બજારમાં તેનું રિએક્શન જોવા મળ્યું હતું એટલું જ નહીં સરકારે ફિઝિકલ ડેફિસિટનો ટાર્ગેટ પણ મિસ કર્યો છે તેની અસર પણ વરતાઇ હતી, જેના પગલે સપ્તાહના અંતે સેન્સેક્સમાં ૨.૮ ટકા, જ્યારે નિફ્ટીમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજાર ઓલરેડી ઓવર બોટની પોઝિશનમાં હતું. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં બજેટ પૂર્વે કરેક્શન થઇ ચૂક્યું હતું. આવા સંજોગોમાં સરકારની નીતિના પગલે ફોલોઅપ સેલિંગ વધ્યું હતું, જેના પગલે નિફ્ટી ૧૧ હજારની સપાટી તોડી નીચે ૧૦,૭૬૦ની સપાટીએ બંધ જોવાઇ હતી.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે છ અને સાતમીએ આરબીઆઇની નાણાકીય નીતિ પોલિસી બેઠક છે. સાતમીએ આરબીઆઇ વ્યાજદરમાં વધ-ઘટ સંબંધી નિર્ણય કરી શકે છે, જોકે પાછલા કેટલાક સમયથી ક્રૂડના ભાવમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે જોતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે અને તેના કારણે ફુગાવો વધવાની ભીતિ સેવાઇ રહી છે. આરબીઆઇ માટે ચિંતા કરનારો વિષય બની શકે છે.

શેરબજારમાં હજુ પણ પેનિક સેલિંગ જોવાઇ શકે છે. નિફ્ટી ૧૦,૫૦૦-૧૦,૫૫૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવાઇ શકાય, જોકે લાંબા સમયગાળાના રોકાણ માટે આ સમયે રોકાણ કરવું ફાયદેમંદ પુરવાર થઇ શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે. એટલું જ નહીં અગ્રણી કંપનીના પરિણામ ઉપર પણ બજારની નજર રહેશે.

You might also like