કર્ણાટકની અનિશ્ચિતતાના પગલે સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: શેરબજારમાં ગઇ કાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ અને પરિણામ બાદ જોવા મળેલી રાજકીય ગતિવિધિના પગલે તોફાની વધ-ઘટ નોંધાઇ હતી, જોકે છેલ્લે સેન્સેક્સ સાધારણ ૧૨ પોઇન્ટના ઘટાડે ૩૫,૫૪૩ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા ઘટાડા તથા વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૮૦ પોઇન્ટના ઘટાડે ૩૫,૨૬૩ જ્યારે એનએસઇ નિફ્ટી ૯૦ પોઇન્ટના ઘટાડે ૧૦,૭૧૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

ખાસ કરીને બેન્કિંગ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૧૭૪ પોઇન્ટ તૂટી હતી. એ જ પ્રમાણે ક્રૂડના ઊંચા ભાવના પગલે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓના શેરના ભાવ પણ ઘટ્યા હતા. ફાર્મા અને એફએમસીજી સેક્ટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી, તો બીજી બાજુ આઇટી, મેટલ, રિયલ્ટી સેક્ટરના શેરમાં ઘટાડે ખરીદી નોંધાઇ હતી.

આજે શરૂઆતે હીરો મોટો કોર્પ, એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇના શેરમાં ૧.૮૮ ટકાથી ૨.૪૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ ટાટા મોટર, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં એક ટકાથી ૧.૨૫ ટકાનો સુધારો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામના પગલે જોવા મળી રહેલી અનિશ્ચિતતા, રૂપિયામાં જોવા મળતી તોફાની વધ-ઘટ, યુએસ સહિત એશિયાઇ બજારમાં આવેલો ઘટાડો તથા વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે બજારમાં ઘટાડો નોંધાયો હતો.

સોના અને ચાંદીમાં કડાકો જોવા મળ્યો
આજે શરૂઆતે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો બોલાઇ ગયો હતો. યુએસ બોન્ડ યીલ્ડ ૩.૦૯ની સપાટીએ પહોંચતાં વ્યાજદર વધવાના ભયે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. વૈશ્વિક સોનું ૨૨ ડોલર તૂટી ૧,૩૦૦ ડોલરની નીચે ૧,૨૯૩ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી જતાં ઘરઆંગણે પણ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવાયો હતો. સોનંુ ૩૨,૦૦૦ની સપાટી આજે શરૂઆતે જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં પણ રૂ. ૫૦૦નો ઘટાડો નોંધાઈ પ્રતિકિલો ૪૦,૦૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

વૈશ્વિક શેરબજાર ડાઉનઃ યુએસ બોન્ડ યીલ્ડ સાત વર્ષની ઊંચી સપાટીએઃ
ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની બેઠક કેન્સલઅમેરિકાનાં શેરબજાર રેડ ઝોનમાં બંધ થયાં હતાં. ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૧૯૩ પોઇન્ટના ઘટાડે છેલ્લે ૨૪,૭૦૬ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. યુએસના ૧૦ વર્ષના બોન્ડ યીલ્ડ સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતાં વ્યાજદરમાં ટૂંક સમયમાં વધારો થવાની ભીતિએ અમેરિકી શેરબજાર ઉપર નકારાત્મક અસર જોવા મળી હતી. યુએસ બોન્ડ યીલ્ડ ૩.૦૯ની સપાટીએ પહોંચી ગઇ હતી, જે જુલાઇ-૨૦૧૧ બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ છે. દરમિયાન નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ૫૯ પોઇન્ટના ઘટાડે ૭,૩૫૧ પોઇન્ટની સપાટીએ જ્યારે એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૧૮ પોઇન્ટના ઘટાડે ૨,૭૧૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
દરમિયાન આજે એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની હાઇ લેવલ મિટિંગ કેન્સલ થતાં તેની શેરબજાર ઉપર નકારાત્મક અસર જોવા મળી હતી. આજે શરૂઆતે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૧૩૮ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ, સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં ખૂલ્યાે હતાે.

You might also like