શેરબજારમાં તેજીનો સિલસિલો શરૂઃ સેન્સેક્સ-નિફ્ટી પહોંચ્યું નવી ઊંચાઈએ

ઘરેલુ શેરબજારમાં આજે પણ તેજીનો સિલસિલો જારી રહ્યો હતો. આજે ફરી શેરબજારે નવા વિક્રમોની સર્વોચ્ચ સપાટીને સર કરી હતી. નિફ્ટી પ્રથમ વાર ૧૧,૭૫૦ની સપાટીને વટાવવામાં સફળ રહી છે, જ્યારે સેન્સેક્સે ૩૮,૯૨૦ની નવી સપાટી હાંસલ કરી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ૦.૫ ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇનો ૩૦ શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ ૨૨૩ પોઇન્ટ એટલે કે ૦.૬ ટકાના ઉછાળા સાથે ૩૮,૯૧૮ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી ૬૬ પોઇન્ટ એટલે કે ૦.૬ ટકાની તેજી સાથે ૧૧,૭૫૮ની સપાટીએ ટ્રેડ કરી રહી છે.

મેટલ, ફાર્મા, આઇટી, પ્રાઇવેટ બેન્ક, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં લેવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી પણ ૦.૨૫ ટકાના ઉછાળા સાથે ૨૮,૩૩૨ની સપાટી પર ટ્રેડ કરી રહી છે, જોકે પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.

એનટીપીસી, ગેલ, સિપ્લા, કોલ ઇન્ડિયા, સન ફાર્મા, વેદાન્તા અને પાવર ગ્રીડ જેવા દિગ્ગજ શેરમાં ૧.૨થી ૩.૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જોકે યસ બેન્ક, ટાઇટન, બજાજ ઓટો, એચયુએલ, વિપ્રો અને હીરો મોટો ૦.૨૫ ટકાથી ૧.૩ ટકા સુધી ગગડ્યાં છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ લેવાલી જોવા મળી રહી છે.

રૂપિયો પણ આજે ૧૪ પૈસાની મજબૂતાઇ સાથે ૭૦.૦૨ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે સોમવારે રૂપિયામાં નબળાઇ જોવા મળી હતી. રૂપિયો ૨૬ પૈસા તૂટીને ૭૦.૧૬ પ્રતિડોલર પર બંધ રહ્યો હતો. હેવિવેઇટ રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક બેન્ક શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

You might also like