સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએઃ મિડકેપમાં પણ તેજી

અમદાવાદ: આજે ઘરેલુ શેરબજાર ખૂલતાંની સાથે જ વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વિક્રમી ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૬૪૬.૯૦ની સર્વાધિક સપાટી હાંસલ કરવામાં સફળ રહી હતી, જ્યારે સેન્સેક્સ ૩૮,૫૫૬.૧૨ની નવી ઊંચાઇ સુધી પહોંચી ગયો હતો.

સેન્સેક્સમાં ૩૫૦ પોઇન્ટથી વધુ ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ૯૦ પોઇન્ટથી વધુ ઉછાળા સાથે ટ્રેડ કરી રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇના ૩૦ શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ ૩૪૪.૫૧ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮,૫૯૬.૩૧ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૯૭.૫૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૬૫૪.૬૫ પર ટ્રેડ કરી રહી છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ લેવાલીનો માહોલ છે. બીએસઇનો મિડેકપ ઇન્ડેક્સ ૦.૬ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટીનો મિડકેપ-૧૦૦ ઇન્ડેક્સમાં ૦.૭ ટકાની મજબૂતાઇ જોવા મળી છે.

બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ૦.૬ ટકા વધ્યો છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, આઇટી, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે.

બેન્ક નિફ્ટી પણ એક ટકાના ઉછાળા સાથે ૨૮,૧૨૪ની સપાટીએ પહોંચી ગઇ છે. ગ્રાસિમ, યસ બેન્ક, હિંદાલ્કો, ટાટા સ્ટીલ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભારતી એરટેલ જેવા દિગ્ગજ શેરમાં ૧.૨ ટકાથી ૨.૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

જ્યારે ભારતી ઇન્ફ્રાટેલ ૦.૭ ટકા અને ડો. રેડ્ડીઝ ૦.૨૫ ટકા સુધી ગગડ્યા છે. મિડકેપ શેરમાં ટોરેન્ટ પાવર, નાલ્કો, જિંદાલ સ્ટીલમાં ૩.૧ ટકાથી ૪ ટકા સુધીનો ઉછાળો જોવાયો છે.

You might also like