શેરબજારમાં ધનતેરશે કાળીચૌદશઃ સેન્સેક્સમાં ૫૫૦ પોઈન્ટનો કડાકો

અમદાવાદ: ગઇ કાલે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશકુમારના નેતૃત્વમાં મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતાં આજે શરૂઆતે અપેક્ષિત શેરબજારમાં કડાકો બોલાઇ ગયો હતો. બીએસઇ સેન્સેક્સમાં ૫૭૯ પોઇન્ટના ઘટાડે ૨૫,૬૮૫ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૭૧ પોઇન્ટના ઘટાડે ૭,૭૮૨ પોઇન્ટની સપાટી જોવાઇ હતી. આમ, શરૂઆતે જ સેન્સેક્સ અને નિફ્ટી બે ટકા તૂટ્યા હતા.

શરૂઆતે ૮૩૮ કંપનીના શેર્સ તૂટ્યા હતા. તો બીજી બાજુ ૧૩૧ કંપનીના શેર્સમાં સુધારો નોંધાયો હતો.
આજે શરૂઆતે સન ફાર્મા કંપનીનો શેર સાત ટકા તૂટ્યો હતો. એ જ પ્રમાણે ડો. રેડ્ડીઝ લેબ્સ, એક્સિસ બેન્ક, વેદાન્તા અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેર્સમાં એક ટકાથી ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર્સમાં પણ જોરદાર વેચવાલી જોવાઇ હતી. મિડકેપ સેક્ટર ઇન્ડેક્સ ૧.૩ ટકા ઘટીને ૧૦,૭૦૦ની નીચે જોવાયો છે, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ૧.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.
આજે તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા છે. રિયલ્ટી, ફાર્મા, બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેર્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. બેન્ક નિફ્ટીમાં ૨.૨૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૬,૭૦૫ના લેવલે જોવાઇ છે.

આ શેર્સ તૂટ્યા

સન ફાર્મા ૪.૪૪ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ ૩.૯૧ ટકા
ભારતી એરટેલ ૨.૩૫ ટકા
ભેલ ૨.૦૬ટકા
સિપ્લા ૧.૯૪ ટકા
ICICI બેન્ક ૧.૯૪ ટકા
હિંદાલ્કો ૧.૯૨ ટકા

You might also like