બે દિવસમાં સેન્સેક્સમાં ૪૦૦ પોઈન્ટનો કડાકોઃ નિફ્ટીએ ૭,૮૦૦ની સપાટી તોડી

અમદાવાદ: યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા લેવાયેલા નિર્ણયની અસરે એશિયાનાં મોટા ભાગનાં શેરબજારો રેડ ઝોનમાં ખૂલ્યાં છે, જેની અસરે સ્થાનિક શેરબજારમાં પણ પ્રેશર જોવા મળ્યું હતું. બીએસઇ સેન્સેક્સ શરૂઆતે ૨૩૧ પોઇન્ટના ઘટાડે ૨૫,૬૫૪ના મથાળે, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૯ પોઇન્ટના ઘટાડે ૭૭૯૪ની સપાટીએ ખૂલી હતી. આમ, બે દિવસમાં સેન્સેક્સ ૪૦૦ પોઇન્ટથી વધુ તૂટ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેનના નિવેદનની અસર પણ બજાર ઉપર પડી હતી.

આજે શરૂઆતે તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. બેન્ક નિફ્ટીમાં ૦.૮૧ ટકાનો ઘટાડો જોવાયો હતો. જ્યારે આઇટી અને પીએસયુ બેન્કના શેર્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફાઇનાન્શિયલ અને સર્વિસ સેક્ટરના શેર્સમાં પણ નરમાઇ જોવાઇ હતી.

ઇન્ફોસિસ, ટીસીએસ, આઇટીસી કંપનીના શેર્સમાં એક ટકાનો ઘટાડો જોવાયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, હિંદુસ્તાન યુનિલિવર, લ્યુપિન કંપનીના શેર્સમાં પણ નરમાઇ જોવાઇ હતી તો બીજી બાજુ વેદાન્તા, હિંદાલ્કો અને ટાટા સ્ટીલના શેર્સમાં ૦.૫૨ ટકાથી ૦.૭૦ ટકાનો સુધારો નોંધાયો હતો.

You might also like