શેરબજારઃ વર્ષ ૨૦૧૮માં નવી ઊંચાઈના આશાવાદ સાથે ૨૦૧૭ને બાય બાય

શેરબજાર ગઇ કાલે છેલ્લે પોઝિટિવ બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૮૪ પોઇન્ટના સુધારે ૩૩,૯૪૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૨ પોઇન્ટના સુધારે ૧૦,૪૯૩ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન નિફ્ટી ૧.૫૫ ટકાના સુધારે બંધ થઇ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૧૦,૫૦૦ની નજીક ૧૦,૪૯૩ની સપાટીએ બંધ જોવાઇ છે તે એક સારો સંકેત ગણાવી શકાય.
શેરબજાર આગામી સપ્તાહે કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે. આગામી સપ્તાહે ડિસેમ્બર એક્સપાયરી છે એટલું જ નહીં, ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનામાં ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો આવવાનાં શરૂ થઇ જશે. ત્યાર બાદ સામાન્ય બજેટ આવશે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં શેરબજારમાં સકારાત્મક ચાલ જોવાઇ શકે છે.

સોમવારે ક્રિસમસના કારણે શેરબજાર બંધ રહેશે. ચાર જ દિવસનું ટૂંકું ટ્રેડિંગ સપ્તાહ છે ત્યારે બજારમાં આગામી સપ્તાહે શરૂઆતે બંને તરફની વધ-ઘટ જોવાઇ શકે છે. નિફ્ટી ૧૦,૫૦૦ની સપાટી ક્રોસ કરે તો વધુ સુધારાની ચાલ જોવાઇ શકે છે. નોંધનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં નિફ્ટીમાં ૩૧ ટકાનો વધારો થઇ ચૂક્યો છે.

શેરબજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ચાલુ સપ્તાહમાં ઓટો ઇન્ડેક્સમાં ચાર ટકા વધારો થઈ ચૂક્યો છે. સેન્ટિમેન્ટ જોતાં આગામી સપ્તાહમાં ઓટો એ‌િન્સલરી કંપનીના શેરમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવાઇ શકે છે તો બીજી બાજુ મેટલ સેક્ટરની કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ જોવાઇ શકે છે.

You might also like