સપ્તાહની શરૂઆતે શેરબજારમાં ઉછાળોઃ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ અપ

અમદાવાદ: આવતી કાલથી શરૂ થઇ રહેલ બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે શેરબજારમાં ઉછાળો જોવાયો હતો. એશિયાઇ બજારમાં જોવાયેલી તેજીના સપોર્ટે બીએસઇ સેન્સેક્સ ૨૧૮ પોઇન્ટના સુધારે ૨૪,૯૩૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૩ પોઇન્ટના ઉછાળે ૭,૫૫૦ની ઉપર ૭,૫૭૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. આમ, સપ્તાહના પ્રથમ દિવસે જ નિફ્ટી ૭,૬૦૦ની નજીક જોવાઇ હતી.

રિયલ્ટી સેક્ટરની આગેવાનીએ બજારમાં સુધારો નોંધાયો હતો. આ સેક્ટરના સ્ટોક્સમાં શરૂઆતે ૧.૫૦ ટકાનો સુધારો જોવાયો હતો. એ જ પ્રમાણે પીએસયુ બેન્ક અને બેન્ક નિફ્ટીમાં પણ એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. સ્થાનિક બજારમાં
વિદેશી સંસ્થાગત રોકાણકારોની કેશ માર્કેટમાં ખરીદી બજારને સપોર્ટ કરી રહી છે.

ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિંદાલ્કો, ટાટા સ્ટીલ કંપનીના શેર્સમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ કોલ ઇન્ડિયા, ભારતી એરટેલ, ભેલના શેર્સ તૂટ્યા હતા.

You might also like