અમદાવાદ: સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારોની બીજા દિવસે પણ લેવાલી તથા વિદેશી બજારોના સપોર્ટ વચ્ચે શેરબજારમાં બીજા દિવસે પણ ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૪૬૧ પોઇન્ટના ઉછાળે ૨૪,૨૪૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૪૫ પોઇન્ટના ઉછાળે ૭૩૬૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. આજે શરૂઆતે નિફ્ટીએ ૭,૩૫૦ની સપાટી ક્રોસ કરી હતી. આજે બીજા દિવસે પણ બેન્કિંગ સ્ટોક્સમાં રેલી જોવાઇ હતી.
આજે શરૂઆતે એસબીઆઇ કંપનીના શેરમાં નવ ટકા, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૪.૫૩ ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો હતો.
આરબીઆઇ ગમે ત્યારે નીતિગત વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ બેન્કિંગ સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી, જોકે કોલ ઇન્ડિયા, ટીસીએસ કંપનીના શેરમાં નરમાઇ જોવા મળી હતી.
વિદેશી બજાર સુધર્યાં
એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર આજે શરૂઆતે ગ્રીન ઝોનમાં ખૂલ્યાં છે. જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં ૬૫૦ પોઈન્ટ, જ્યારે હેંગસેંગ ઈન્ડેક્સમાં ૫૨૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા મજબૂત ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયાે બાર પૈસા મજબૂત ૬૭.૭૪ની સપાટીએ ખૂલ્યો હતો. નોંધનીય છે કે ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૭.૮૬ની સપાટીએ બંધ થયો હતો. રેટ કટની શક્યતાઓ પાછળ રૂપિયામાં મજબૂતાઈ જોવાઇ હતી.