તહેવારો પૂર્વે સિંગતેલના ભાવમાં મજબૂત સુધારો

અમદાવાદ: આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે. તહેવારોમાં માગ વધવાની શક્યતાઓ પાછળ સિંગતેલના ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. સિંગતેલના ભાવે ડબે ૧,૫૨૫ની સપાટી ક્રોસ કરી ૧,૫૩૦-૧,૫૪૦ની સપાટીએ ભાવ જોવા મળ્યા છે.

ચાલુ વર્ષે સિઝનમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ ચારથી છ સપ્તાહ મોડો છે. આવા સંજોગોમાં મગફળીની નવી આવક પણ મોડી આવે તેવી શકયતાઓ પાછળ સિંગતેલના ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. બજારનાં વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળે તેવાં એંધાણ વરતાઇ રહ્યાં છે.

એક બાજુ નીચા ભાવે સ્ટોકિસ્ટો સ્ટોક કવર કરી રહ્યા છે. તો બીજી બાજુ તહેવારોની સિઝન પૂર્વે સિંગતેલની માગમાં ટૂંકા ગાળામાં સુધારો નોંધાયો છે, જ્યારે ઓઇલ મિલરો માટે પિલાણ માટેની મગફળીનો અભાવ વરતાઇ રહ્યો છે. ચારથી છ સપ્તાહના મોડા વરસાદ બાદ વાવણી શરૂ થઇ ગઇ છે, પરંતુ આ વખતે મગફળી કરતાં કપાસનું વાવેતર વધુ થાય તેવી શક્યતા વધુ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે કપાસના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં કપાસની માગ ઊંચી છે. એમસીએક્સ પર કોટનના ભાવ ૨૨,૬૫૦ની આસપાસ જોવા મળી રહ્યા છે. સ્થાનિક બજારમાં પણ પાછલો સ્ટોક ઓછો છે તથા વધુ ભાવ મળવાની શક્યતાઓ પાછળ કપાસનું વાવેતર આ વખતે ઊંચું થાય તેવા એંધાણ વરતાઇ રહ્યા છે, જેના પગલે મગફળીના હાલના વાવેતરમાં ઘટાડો નોંધાય તેવી ભીતિ સેવાઇ રહી છે. આ સેન્ટિમેન્ટ પાછળ સ્ટોકિસ્ટોની મજબૂત ખરીદીના પગલે સિંગતેલના ભાવમાં આગામી દિવસોમાં વધુ સુધારાની ચાલ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

You might also like