સેના દુષ્કર્મ કે હત્યા કરી શકે છેઃ કોડિયારી બાલકૃષ્ણન્

કન્નુર: કેરળ સીપીએમના સચિવ કોડિયારી બાલકૃષ્ણને સેનાને લઈ કરેલા વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે સેનાને જો પૂરો અધિકાર આપવામાં આવે તો તે કંઈ પણ કરી શકે છે, જેમાં સેના મહિલાઓનાં અપહરણ અને બળાત્કાર કરી શકે છે તેમજ કોઈને ગોળી મારી ઠાર કરી શકે છે તેમ છતાં સેનાને સવાલ કરવાનો કોઈને હક નથી.  સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર કન્નુરમાં લઘુમતીઓના સંરક્ષણ અંગેના એક સેમિનારમાં બાલકૃષ્ણને જણાવ્યું હતું કે તે (સેના) કોઈની સાથે કંઈ પણ કરી શકે છે. ચારથી વધુ લોકોને સાથે જોતાં તે ગોળી મારી શકે છે તેમજ તે (સેના) કોઈ પણ મહિલાનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ કરી શકે છે.

તેમ છતાં સેનાને સવાલ કરવાનો કોઈને અધિકાર નથી. જે કોઈ રાજ્યમાં સેના છે ત્યાં આવી જ સ્થિ‌તિ છે. સીપીએમના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદ પર અંકુશ લગાવવા માટે આફસ્પા (સશસ્ત્ર દળ વિશેષ અધિનિયમ) જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડમાં લાગુ કરવામાં આવ્યો છે. આ રાજ્યમાં લઘુમતી સમુદાયની મહિલા પર સેનાએ બળજબરી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો આ અધિનિયમ કન્નુરમાં લાગુ કરી દેવામાં આવશે તો ત્યાં પણ એવી હાલત થશે જેવી ભાજપ અને આરએસએસ માગણી કરી રહ્યા છે. તેથી તેને લાગુ કરવાની માગણીનો વિરોધ કરવા તમામ લોકોએ આગળ આવવું જોઈએ.

આ મહિનાના આરંભમાં સીપીએમમા કાર્યકર્તાઓએ આરએસએસના કાર્યકરની હત્યા કરી હતી. ત્યારબાદ કેરળ ભાજપના અધ્યક્ષ કુમ્મનન રાજશેખરણે કન્નુરમાં અાફસ્પા લાગુ કરવા માગણી કરી હતી, જેના વિરોધમાં બાલકૃષ્ણને આવું નિવેદન આપ્યું હતું ત્યારે બીજી તરફ બાલકૃષ્ણનના આવા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તેમનું આ નિવેદન દેશદ્રોહ સમાન છે. તેથી પોલીસે તેમની સામે કેસ દાખલ કરવો જોઈએ.

http://sambhaavnews.com/

You might also like