કોંગ્રેસના વરિષ્ઠ નેતા-પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુરુદાસ કામતનું નિધન

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુરુદાસ કામતનું આજે સવારે નવી દિલ્હી ખાતે નિધન થયું છે. ૬૩ વર્ષીય કામતે દિલ્હીના ચાણક્યપુરી સ્થિત પ્રાઈમસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ મનમોહનસિંહ સરકારમાં વર્ષ ર૦૦૯થી ર૦૧૧ દરમિયાન કેન્દ્રીય રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા હતા.

કામતનો જન્મ પ ઓક્ટોબર, ૧૯પ૪ના રોજ થયો હતો. તેઓ નોર્થ-વેસ્ટ મુંબઈથી વર્ષ ર૦૦૯માં અને નોર્થ-ઈસ્ટ મુંબઈથી ૧૯૮૪, ૧૯૯૧, ૧૯૯૮ અને ર૦૦૪ની લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવામાં ગુરુદાસ કામતનો અગત્યનો ફાળો રહ્યો હતો. ર૦૦૯થી ર૦૧૧ વચ્ચે તેમને ટેલિકોમ અને આઈટી વિભાગના રાજ્યપ્રધાનની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. ર૦૧૧માં તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેમને કોંગ્રેસ મહાસચિવ બનાવીને રાજસ્થાન, ગુજરાત, દાદરા-નગર હવેલી અને દમણ-દીવનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો.

આ સાથે જ તેમને કોંગ્રેસ વર્કિંગ ક‌િમટિીના સભ્ય પણ બનાવાયા હતા. ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ર૦૧૭માં કામતે તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જોકે ત્યારબાદ પણ તેઓ કોંગ્રેસના મહાસચિવ તરીકે કામ કરતા હતા.

વરિષ્ઠ કોંગ્રેસી નેતા કામત વ્યવસાયે વકીલ હતા. તેમણે મુંબઈની આર. એ. પોદ્દાર કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. કામતે પહેલી લોકસભા ચૂંટણી ૧૯૮૪માં જીતી હતી. આમ તો તેમણે રાજનૈતિક કારકિર્દીની શરૂઆત ૧૯૭રમાં વિદ્યાર્થી જીવનથી જ શરૂ કરી દીધી હતી.

૧૯૭૬માં તેઓ કોંગ્રેસની વિદ્યાર્થી શાખા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)ના મુંબઈ એકમના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૦માં તેઓ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી બન્યા હતા.

ત્યારબાદ ૧૯૮૪માં તેમને પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષ અને ૧૯૮૭માં ઈન્ડિયન યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ર૦૦૩માં તેમણે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ફરજ નિભાવી હતી. તેઓ આ પદ પર વર્ષ ર૦૦૮ સુધી રહ્યા હતા.  કામત છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી હતી.

You might also like