સેલ્ફીના વિવાદો અને વિવાદોની સેલ્ફી

‘સેલ્ફી’એ એવો શબ્દ છે જેના માટે લોકો સેલ્ફને પણ ખતરામાં મૂકી રહ્યા છે. વર્તમાન ડિજિટલ યુગમાં યુવાનો સહિત સેલિબ્રિટીઓ અને રાજકારણીઓને સેલ્ફી લેવાનું ભૂત ચઢ્યું છે. સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવી એ એક ઝનૂન બની રહ્યું છે. સેલ્ફીના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. હાલમાં જ ગુજરાતના દીવમાં સેલ્ફીની લાયમાં ઘટેલી ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે. કોઈ પ્રસંગની કે કોઈ વ્યક્તિ સાથેની યાદગીરી માટે સેલ્ફી લેવાય તે વાજબી છે, પરંતુ ક્રેઝી લોકો એવાએવા સ્પોટ પરથી સેલ્ફી ખેંચવાનો પ્રયત્ન કરે છે જ્યાં તેમના માથે મોત ઝળુંબતું હોય. અમુક વિવાદાસ્પદ સેલ્ફીએ કેટલાંકનાં રાજીનામાં લેવડાવ્યાં છે તો ખતરનાક સેલ્ફીએ જીવ પણ લીધા છે. સ્માર્ટફોનના વધતા ઉપયોગ સાથે સેલ્ફીના વધી રહેલા ક્રેઝ અને વિવિધ પાસા અંગે ‘અભિયાન’નો ક્રેઝી અહેવાલ.

‘સેલ્ફી’ શબ્દથી હાલ કોઈ વ્યક્તિ અજાણ નહીં હોય. જોકે આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૨૦૦૨માં ઓસ્ટ્રેલિયાની એક ઇન્ટરનેટ ફોરમમાં કરવામાં આવ્યો હતો. સેલ્ફ સર્વિસ સાયન્સ ફોરમ તરીકે ઓળખાતી આ ફોરમમાં નથાન હોપ નામના યુવાને પોતાની સમસ્યા વર્ણવી હતી. દારૂ પીધા પછી તે પડી જતાં તેના હોઠમાં ઈજા થઈ હતી. આ ઈજા બતાવવા તેણે પોતે જ હોઠનો ફોટોગ્રાફ લીધો હતો, ત્યારે તો ફ્રન્ટ કેમેરાનો જમાનો ન હોવાથી રિઅર કેમેરાથી જેવો-તેવો ફોટો પોસ્ટ કર્યો હતો.

ફોરમમાં પોતાની સમસ્યા જણાવતી વખતે તેણે ઉલ્લેખ કર્યો કે તે યોગ્ય રિઝોલ્યુશનનો ફોટો પોસ્ટ નથી કરી શક્યો, કારણ કે આ ફોટોગ્રાફ સેલ્ફી છે. ત્યારે સૌપ્રથમ વાર સેલ્ફી શબ્દનું પ્રયોજન થયું, બાદમાં એક દાયકાના સમયગાળામાં ધીરેધીરે શબ્દ એટલો પ્રચલિત બન્યો કે વર્ષ ૨૦૧૩માં ઓક્સફર્ડ ડિક્સનરી દ્વારા તેને વર્ડ ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યો અને ઓક્સફર્ડ ડિક્સનરીમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો.

જોકે સેલ્ફી શબ્દ ચલણમાં આવ્યો તે પહેલાં આવા પ્રકારના ફોટોગ્રાફને સેલ્ફ પોર્ટ્રેઇટના નામથી ઓળખવામાં આવતો હતો. કેટલાક અહેવાલો પ્રમાણે રોબર્ટ કોર્નલુઈસ કે જેને ફોટોગ્રાફીના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ અમેરિકને કેમેરાના સંશોધનની શરૂઆતના દિવસોમાં જ એટલે કે ઈ.સ.૧૮૩૯માં પોતાનું સેલ્ફ પોર્ટ્રેઇટ કેપ્ચર કર્યું હતું. જોકે ત્યારે આવો કોઈ ટ્રેન્ડ કે ચોક્કસ શબ્દ અસ્તિત્વમાં નહોતો આવ્યો.

સેલ્ફીના ક્રેઝે સ્માર્ટફોનનાં ફીચર્સ બદલાવ્યાં
વર્તમાન સમયમાં સેલ્ફીએ જે રીતે ગામ ગજવ્યું છે તે જોઈને એમ કહીએ કે સંસાર સેલ્ફીમય થયો છે તો જરાપણ અતિશયોક્તિ નથી. સ્માર્ટફોન ખરીદતી વખતે લગભગ લોકો ફોનમાં ફ્રન્ટ કેમેરા છે કે નહીં તેનું ધ્યાન ચોક્કસ રાખે છે, જેથી સેલ્ફી ક્લિક કરવામાં તકલીફ ન પડે. આ જ કારણસર હવે લગભગ સ્માર્ટફોનમાં રિઅર અને ફ્રન્ટ એમ બંને કેમેરા હોય છે. ફોનનાં ફીચર્સમાં થોડી વધઘટ હશે તો ચાલશે, પરંતુ સેલ્ફી માટેનો ફ્રન્ટ કેમેરા તો હોવો જ જોઈએ ! લગ્નપ્રસંગ, શોપિંગ મૉલ, સ્કૂલ-કૉલેજ, સામાજિક-રાજકીય-ધાર્મિક કાર્યક્રમો, પ્રવાસ, નોકરી, સેલિબ્રિટી મુલાકાત વખતે… બધે જ નજર કરતાં કોઈ એવું જોવા મળશે જ જે સેલ્ફી ક્લિક કરી રહ્યું હોય. સેલ્ફીના આ ટ્રેન્ડનાં કેટલાંક આશ્ચર્યજનક, વિક્રમજનક અને કરૂણ ઉદાહરણો…

જીવ જોખમમાં મૂકતી સેલ્ફી
આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો સ્માર્ટફોન ધરાવતાં થઈ ગયા છે. દરેક સિક્કાની બે બાજુ હોય તેમ ડિજિટલ યુગની સાઈડ ઈફેક્ટસ જોવા મળી રહી છે. આંગળીને ટેરવે સતત મોબાઈલનો ઉપયોગ કરી રહેલા યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ એટલી હદે વધી ગયો છે કે સેલ્ફીની ઘેલછાના રોજેરોજે નવા વિવાદો બહાર આવી રહ્યા છે. સેલ્ફીના એડિક્શનથી કેટલીક ઘટનાઓ કરૂણ બની રહે છે.

દીવના દરિયામાં સેલ્ફીએ જિંદગી છીનવી
સેલ્ફીના કારણે હમણાં જ દીવમાં એક દુર્ઘટના ઘટી હતી. ગુજરાતના યુવાનો માટે દીવ એ હરવાફરવા માટે જાણીતું સ્થળ છે. થોડાક દિવસ પહેલાં જ અહીં ફરવા આવેલા અમદાવાદના ચાર વિદ્યાર્થીઓના એક ગ્રૂપને સેલ્ફી લેવાનો ક્રેઝ મોંઘો પડ્યો હતો. અમદાવાદની એક કૉલેજમાંથી ડિપ્લોમા એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા ચાર યુવાનો હર્ષિલ ચંદારાણા, વત્સલ કનાડા, યોહાન તાવડિયા અને બ્રિજેશ દીવ ફરવા પહોંચ્યા હતા. ર૪ જૂને બપોરે તેઓ ચક્રતીર્થ બીચ પર ફરવા નીકળ્યા ત્યારે તેમને દરિયાના પાણીમાં ઊભા રહી સેલ્ફી લેવાનો શોખ જાગ્યો.

બે યુવાનો કિનારા પર ઊભા રહ્યા જ્યારે હર્ષિલ અને વત્સલ દરિયાના પાણીની અંદર ઊભા રહીને સેલ્ફી ખેંચી રહ્યા હતા તે સમયે જ એક જોરદાર દરિયાઈ મોજું આવ્યું. સેલ્ફી લેતા બંને કંઈ સમજે તે પહેલાં તો તેઓ પાણીમાં તણાવા લાગ્યા. જોકે વત્સલને તરતા આવડતું હોવાથી તે બચી ગયો, પરંતુ હર્ષિલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને બાદમાં તેની લાશ ફૂદમ વિસ્તારના કિનારેથી મળી. આમ, સેલ્ફીની ઘેલછાએ એક આશાસ્પદ યુવાનની જિંદગી છીનવી લીધી હતી.

આ ઘટનાને હજુ ર૪ કલાક થયા નહોતા ત્યાં બીજા દિવસે અમદાવાદથી ફરવા આવેલા અન્ય ચાર યુવાનો સનસેટ પોઈન્ટ નજીક જ દરિયામાં સેલ્ફી લેવા પહોંચ્યા. આ યુવાનો પણ પોતાની મસ્તીમાં સેલ્ફી લેવાનો આનંદ માણતા હતા ત્યાં જ એકાએક દરિયાનું મોજું આવ્યું અને તેમને અદરની તરફ ખેંચાવા લાગ્યું. ગભરાઈ ગયેલા યુવાનોએ તરત જ બચાવો… બચાવો…ની બૂમો પાડતાં લોકોનું ધ્યાન ખેંચાયું અને ઘોઘલાના જિતુ બામણિયા અને તેમની ટીમના સભ્યોએ દરિયામાં ડૂબી રહેલા આ ચારેય યુવાનોને જીવના જોખમે બચાવીને મોતના મુખમાંથી ઉગાર્યા. બાદમાં આ ચારેય યુવાનોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જો સ્થાનિકો સમયસર મદદે ન આવ્યા હોત તો સેલ્ફીનો ક્રેઝે તેમને કાળના મુખમાં ધકેલી દીધા હોત.

આ અંગે દીવના એક સ્થાનિકનું કહેવું છે કે, “દીવમાં દરેક બીચ પર સાઈનબોર્ડ મારેલાં છે કે અહીં પાણી ઊંડું છે, ત્યાં જવું નહીં. છતાં આવી ચેતવણીને અવગણીને ઘણાં યુવાનો જોખમી દરિયાઈ વિસ્તારમાં જાય છે અને જોખમ નોતરે છે, તેમાં પણ સેલ્ફી લેનારાઓ એટલી મસ્તીમાં હોય છે કે તેમને ધસમસતાં દરિયાનાં પાણી નજીક આવી જાય તો પણ ખ્યાલ નથી રહેતો અને ક્યારેક આવી સેલ્ફી મોંઘી પડી જાય છે.”

જોધપુરની યુવતીનું કર્ણાટકમાં મોત
રાજસ્થાનના જોધપુરના નહેરુ પાર્ક વિસ્તારમાં રહેતા ડૉક્ટર પરિવારની પુત્રી પ્રણિતા મહેતા મિત્રો સાથે ફરવા કર્ણાટક ગઈ હતી. જ્યાં સેલ્ફી લેતી વખતે ૩૦૦ ફૂટ ઊંચા લાઈટહાઉસ પરથી નીચે પટકાઈ હતી અને તેનું મોત થયું હતું. જોધપુરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રર વર્ષીય પ્રણિતા તેના ચાર મિત્રો સાથે ફરવા માટે નીકળી હતી. મુંબઈ અને ગોવામાં રજાઓ ગાળ્યા બાદ તેઓ કર્ણાટકના ગોકરણાના દરિયાકિનારે પહોંચ્યા હતા.

દરમિયાન બધાય મિત્રો લાઈટહાઉસ (દીવાદાંડી) પર સાઈટ સીન જોવા પહોંચ્યા હતા. લાઈટહાઉસ પરથી સેલ્ફી લેવાના પ્રયાસમાં પ્રણિતાનું સંતુલન જોખમાયું હતું અને તે દીવાદાંડી પરથી ૩૦૦ ફૂટની ઊંચાઈએથી દરિયામાં પટકાઈ હતી. આ દુર્ઘટનાથી તેના મિત્રો હેબતાઈ ગયા અને ‘બચાવો-બચાવોની બૂમો પાડતા નીચે ઊતર્યાં ત્યારે કિનારે હાજર કેટલાક લોકો તાત્કાલિક હોડીઓ લઈને પ્રણિતાની શોધમાં નીકળ્યા હતા અને અંતે પ્રણિતાનો મૃતદેહ મળ્યો હતો.

સેલ્ફી લેવામાં પાઇલટથી દુર્ઘટના સર્જાઈ
સેલ્ફી લેવાનો શોખ અમેરિકાના એક પાઇલટને પણ ભારે પડ્યો હતો અને તેનું નાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. જેમાં તેની સાથે વિમાનમાં સવાર એક અન્ય વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તપાસકર્તાઓએ જણાવ્યુ હતું કે, “વિમાનનો પાઇલટ કૉકપીટમાં પોતાના મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યો હતો અને જેના કારણે વિમાનને અકસ્માત થયો હતો.” નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કૉકપીટમાં લીધેલા વીડિયોના આધારે તપાસ કરીને આ રિપોર્ટ આપ્યો હતો.

ત્રણ મિત્રો ટ્રેન નીચે કપાયા
ર૦૧પની પણ એક ઘટનામાં કોસીકલા નજીક મથુરા રેલવે ટ્રેક પર ચાલતી ટ્રેન સામે સેલ્ફીના ચક્કરમાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. આ ઘટના સવારે નવ વાગ્યાના સુમારે બની હતી. જેમાં અનીસ નામનો એક યુવાન બચી ગયો હતો. આ ઘટના અંગે અનીસે પોલીસને જણાવ્યું હતું કે, “ચારેય મિત્રો ગણતંત્ર દિવસે તાજમહાલ જોવા આગ્રા જઈ રહ્યા હતા. આ દરમિયાન બધા મિત્રો ચાલતી ટ્રેન સામે સેલ્ફી ખેંચીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા ઇચ્છતા હતા, પરંતુ અચાનક આવી ચડેલી ટ્રેનને કારણે ત્રણ મિત્રોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.”

અન્યનો પરિવાર પણ નોધારો બની ગયો
સેલ્ફી ખેંચવી એ એક ક્રેઝ બની ચૂક્યો છે, જોકે ક્યાં? ક્યારે અને કેવી રીતે સેલ્ફી ખેંચવી તે ક્રેઝી લોકો ભૂલી રહ્યા છે.મુંબઈના બેંડ સ્ટેન્ડ વિસ્તારમાં આ વર્ષની શરૂઆતમાં જ એક કિસ્સો બન્યો હતો. ઘાટકોપરમાં રહેતી અને કૉલેજમાં અભ્યાસ કરતી ત્રણ સખીઓ તરન્નુમ, નાઝનીન અને કસ્તુરી બેંક સ્ટેન્ડ વિસ્તારમાં ફરવા નીકળી હતી. દરિયાકિનારે ત્રણેય સેલ્ફી ખેંચી રહ્યા હતા ત્યારે તરન્નુમનો પગ લપસતાં તે પાણીમાં પડી ગઈ અને ડૂબવા લાગી. તરન્નુમને બચાવવા નાઝનીન પણ પાણીમાં કૂદી પડી, પરંતુ તે પણ ડૂબવા લાગી. આથી કસ્તુરીએ તેમને બચાવવા બૂમાબૂમ કરી અને આસપાસથી લોકો દોડી આવ્યા, જોકે પાણીમાં જવા કોઈ તૈયાર નહોતું.

તે સમયે ત્યાંથી પસાર થતી રમેશ વળુંજ નામની વ્યક્તિ બૂમ સાંભળીને બંનેને બચાવવા પાણીમાં કૂદી પડી અને નાઝનીનને બહાર કાઢી દેવાઈ. જોકે રમેશ ફરીથી તરન્નુમને બચાવવા પાણીમાં કૂદ્યા પછી ન તો રમેશનો પતો લાગ્યો કે ન તરન્નુમનો. બંને પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં અને ડૂબી ચૂક્યાં હતાં. બાદમાં અગ્નિશમન દળના જવાનોએ તરન્નુમનું ડેડબોડી શોધી કાઢ્યું હતું, જ્યારે રમેશનું ડેડબોડી દસેક દિવસ પછી મીઠી નદીના કિનારેથી મળ્યું હતું. આમ, સેલ્ફીના ચક્કરમાં તરન્નુમે પોતાનો જાન ગુમાવ્યો, સાથે રમેશના પરિવારને પણ અનાથ કરી મૂક્યો હતો.

તો ર૦૧પમાં કાંજુરમાર્ગ વિસ્તારમાં રહેતા ૧૪ વર્ષીય સાહીલ ઈશ્વલકરે પણ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો હતો. સાહીલની જીદ પર તેના પિતાએ તેને નવો સ્માર્ટફોન લાવી આપ્યો હતો. જે લઈને તે મિત્રો સાથે નાહુર સ્ટેશને પહોંચ્યો હતો અને માલગાડીના ડબ્બા પર ચઢીને સેલ્ફી ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેને વીજળીનો ભારે ઝાટકો લાગતાં તે ત્યાં જ બળીને ખાખ થઈ ગયો હતો.

વિવાદ સર્જનારી સેલ્ફી
કેટલીક સેલ્ફી એવી છે કે જેને કારણે રાજકીય કે અન્ય ક્ષેત્રે વિવાદ સર્જાયો હોય. મોટાભાગના કિસ્સામાં સેલ્ફી ખેંચનારને વિવાદ ચગવા અંગેનો અંદાજ હોતો નથી. જોકે આવી તસવીરો વાઇરલ થયા પછી તેમને વિવાદમાં ઘેરાવું પડે છે.

રેપ પીડિતા સાથે સેલ્ફીનો વિવાદ મહિલા પંચના સભ્યનું રાજીનામું
રાજસ્થાનમાં એક રેપ પીડિતા સાથે સેલ્ફી લેવાનો વિવાદ ચગતાં મહિલાપંચનાં સભ્ય સૌમ્યા ગુર્જરે રાજીનામું આપવું પડ્યું છે. રાજસ્થાનના અલવરસ્થિત રૈની ગામમાં એક ૩૦ વર્ષીય મહિલાનાં સાસરિયાંએ તેની સાથે ગેંગરેપ કરીને તેના શરીર પર અપશબ્દોનાં ટેટુ ત્રોફાવી દીધાં હતાં. મહિલાના પિયર તરફથી દહેજની માગણી ન સંતોષાતા આમ કરાયું હતું. આ ઘટનામાં લાંબા વિવાદ બાદ કોર્ટના આદેશથી પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.

રાજસ્થાન મહિલા આયોગનાં ચીફ સુમન શર્મા અને સભ્ય સૌમ્યા ગુર્જર સહિતની ટીમ પીડિતાની ખબર લેવા જયપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ એ દરમિયાન સૌમ્યા ગુર્જરે પીડિતા સાથે સેલ્ફી ખેંચી હતી. જેની તસવીરો સામે આવ્યા બાદ વિવાદ ચગ્યો હતો અને તેની ઘણી ટીકા થઈ હતી. જોકે પંચના અધ્યક્ષે બચાવમાં એવંુ કહ્યું કે, “પીડિતાને સામાન્ય માહોલ ફીલ કરાવવા માટે આમ કરવા કહેવામાં આવ્યું હશે. જોકે તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને આ મુદ્દે ભારે વિવાદ થતાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ રાષ્ટ્રીય મહિલા આયોગને આ મામલે તપાસ કરવાની અપીલ કરી હતી. જેમાં સૌમ્યા ગુર્જરે રાજીનામું આપવું પડ્યું હતું.

રવીન્દ્ર જાડેજાની સેલ્ફીનો વિવાદ
ભારતીય ક્રિકેટ ટીમના ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની સિંહ સાથેની સેલ્ફીએ પણ વિવાદ જગાવ્યો હતો. જાડેજાએ તેની પત્ની સાથે સાસણની મુલાકાત લીધી ત્યારે વનવિભાગના અધિકારીઓ સાથે જિપ્સીમાં ફરવા નીકળેલા આ નવદંપતીને સિંહ જોતાંની સાથે જ સેલ્ફી લેવાની ઘેલછા જાગી હતી. આથી જિપ્સીમાંથી નીચે ઊતરીને પાછળ સિંહ દેખાય તે રીતે રવીન્દ્ર અને રિવાબાએ સેલ્ફી લીધી હતી.

આ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વિવાદ જાગ્યો હતો, કારણ કે જંગલમાં જિપ્સી કે અન્ય વાહનમાંથી નીચે ઊતરીને તસવીરો ખેંચવાની મનાઈ છે અને વનવિભાગ દ્વારા પણ આવી પરમિશન આપવામાં આવતી નથી. વળી જાડેજાની સાસણ મુલાકાત પહેલાં જ ગીરમાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકયો હતો. આથી જાડેજાની આ સેલ્ફીથી નિયમભંગ થતાં તેની સામે આકરાં પગલાં લેવાની માંગ થઈ હતી. જે સંદર્ભે વનવિભાગે તપાસના આદેશ આપ્યા છે. જોકે હજુ સુધી કોઈ નક્કર પગલાં હાથ ધરાયાં નથી.

પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ મનુભાઈ ઓડેદરાએ આ મામલે સુઓમોટો દાખલ કરી છે. તેઓ કહે છે, “રવીન્દ્ર જાડેજાએ સાસણના જંગલ વિસ્તારમાં વાહનમાંથી નીચે ઊતરીને સિંહો સાથે સેલ્ફી લઈને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭રનો ભંગ કર્યો છે. જંગલમાં સિંહ જેવાં પ્રાણીઓની લાઈફને ડિસ્ટર્બ કરવી એ ગુનો છે. જેમાં ત્રણ વર્ષની સાદી કેદ અને રપ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.” જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એ.પી. સિંહને પણ આ મુદ્દે રજૂઆત કરીને કડક પગલાં લેવાની રજૂઆત કરાઈ છે.

ગીરમાં ઘણા સમયથી વીવીઆઈપી મહેમાનોની મુલાકાત વધી છે. ક્રિકેટર સચીન તેંડુલકર અને સલમાન ખાન, અમિતાભ બચ્ચન સહિતની બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉપરાંત અનેક રાજકીય આગેવાનો અહીં આવી ચૂક્યાં છે. આવા મહેમાનોના જિપ્સીમાં ઊભા ઊભા સિંહદર્શન કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં જોવાયા છે, પરંતુ સિંહો સાથે સેલ્ફીના ફોટા વાઇરલ થયા નથી. જોકે એક ચર્ચા એવી પણ છે કે કેટલાંક ફોટાઓ જાહેરમાં મૂકવામાં આવતા નથી. ગીર વનવિભાગના કેટલાંક અધિકારીઓ જ સિંહ સાથે સેલ્ફી લેતા હોય છે, પરંતુ તેમની તસવીરો જાહેરમાં ચમકતી નથી.

પ્રધાન પંકજા મુંડે પણ વિવાદમાં સપડાયાં
મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ અને જળ સંરક્ષણ પ્રધાન પંકજા મુંડે ગત એપ્રિલ માસમાં મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલાં. પંકજા મુંડેએ વેરાન જમીન પર પોતાની સેલ્ફી ક્લિક કરીને ટ્વીટર પર પોસ્ટ કરતાં વિવાદ થયો હતો. જેથી પંકજાએ એવી સ્પષ્ટતા કરી હતી કે, “દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સરકાર અને લોકોના સહકારથી થયેલાં કામ દેખાડવા મેં આ સેલ્ફી ક્લિક કરી હતી.”

સેલ્ફી અને રાજકારણ
સેલ્ફીના ફીવરમાંથી રાજકારણીઓ પણ બાકાત નથી રહ્યા. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકારણી તેમના ફેસબુક પેજ-એકાઉન્ટ અને ટ્વીટર હેન્ડલ પર સેલ્ફી પોસ્ટ કરી હોય તેવા અનેક દાખલા છે.

નરેન્દ્ર મોદીની ચર્ચાસ્પદ સેલ્ફી
વાત રાજકારણીઓના સેલ્ફીની આવે તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિવિધ સેલ્ફી માટે છેલ્લાં ચર્ચામાં રહ્યા છે. મે,૨૦૧૫માં ચીનના પ્રવાસ દરમિયાન ચીનના સ્ટેટ કાઉન્સિલના પ્રીમિયર લી કેકિઆન્ગ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સેલ્ફીને કેટલાંક રાજકીય વિશ્લેષકોએ વિશ્વની સૌથી શક્તિશાળી સેલ્ફી પણ ગણાવી હતી. વૉલસ્ટ્રીટ જર્નલ અને ફોર્બ્સ જેવાં પ્રકાશનોમાં પણ તેની નોંધ લેવાઈ હતી. ઓગસ્ટ,૨૦૧૫માં યુ.એ.ઈ.ના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ અબુધાબીની શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત દરમિયાન ત્યાંના શેખ નાહ્યાન બિન મુબારક અને શેખ ડૉ. અનવર ગર્ગશ સાથે સેલ્ફી ખેંચી હતી.

જોકે ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીને સેલ્ફી મામલે વિવાદોનો સામનો પણ કરવો પડ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કર્યા બાદ તત્કાલીન મુખ્યપ્રધાન મોદીએ પોલિંગ બૂથની બહાર કમળના નિશાન સાથે પોતાની સેલ્ફી ક્લિક ખેંચી હતી. જેને આચારસંહિતાનો ભંગ ગણાવતી ફરિયાદ પણ ચૂંટણીપંચ તેમજ હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. જોકે આ સેલ્ફી પોલિંગ બૂથના ૧૦૦ મીટરના વિસ્તાર બહાર ઊભા ક્લિક કરવામાં આવી હોવાથી બાદમાં આ વિવાદ શમી ગયો હતો.

વાત આંતરરાષ્ટ્રીય રાજકારણની કરીએ તો વર્ષ ૨૦૧૩માં નેલ્સન મંડેલાના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા જ્હોનીસબર્ગમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલી વિશ્વભરની રાજકીય તેમજ સામાજિક હસ્તીઓએ બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરોન, ડેન્માર્કના વડા પ્રધાન હેલ થ્રોનિંગ શ્મિટે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ શોકસભા દરમિયાન સેલ્ફી ક્લિક કરીને હળવી ક્ષણો માણી હતી. કેટલાક વિશ્લેષકોએ આ સેલ્ફીને વિશ્વમાં સૌથી શક્તિશાળી નેતાઓની સેલ્ફી ગણાવી તો કેટલાક વિશ્લેષકોએ આ હરકતને એમ કહી વખોડી કાઢી કે કોઈ મહાન નેતાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ પ્રકારની હરકત યોગ્ય નથી.

જોખમી સેલ્ફી લેનારને દંડની જોગવાઈ
રેલવેમાં સેલ્ફી લેવા જતા અકસ્માતનું પ્રમાણ વધ્યું હોઈ ભારતીય રેલવિભાગે સેલ્ફી સામે આકરું વલણ અખત્યાર કરવાનો નિયમ અમલમાં મૂક્યો છે. મુસાફરોમાં રેલવે ગેટની બહાર લટકીને સેલ્ફી લેવાનું પ્રમાણ વધતાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું હતું. આથી હવે મુસાફર આ રીતે ગેટ બહાર લટકીને સેલ્ફી લેતા ઝડપાશે તો તેને ૬ માસની કેદ થશે અથવા રૂપિયા બે હજારનો દંડ ફટકારાશે.

રેલવે વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ “મુસાફર ગેટની બહાર લટકીને સેલ્ફી લઇ રહ્યો હોય અને તેની સાથે અકસ્માત થાય તો તેના માટે રેલવેને જવાબદાર ગણવામાં આવે છે. આથી અનેક વિચારણા બાદ આ સજાનો નિર્ણય લેવાયો છે. જેથી મુસાફરો જોખમી સેલ્ફી લેતા અટકે અને અકસ્માતોનું પ્રમાણમાં ઘટે. આ નિર્ણયનો સૌપ્રથમ અમલ કાલકા-સિમલા વચ્ચે દોડતી ટોય ટ્રેનમાં કરાયો અને તે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સને જવાબદારી સોંપાઈ હતી. આરપીએફના કર્મચારીઓ મુસાફરોને આ મામલે જાગ્રત પણ કરશે.

રેલવે પ્રવાસમાં કોઇ ઓવરબ્રિજ કે કોઇ સુંદર સ્થળ અથવા તો નદી આવે ત્યારે મુસાફર ટ્રેનના ગેટ પર ઊભા રહીને સેલ્ફી ખેંચવા ક્રેઝી હોય છે. જેથી ક્યારેક સંતુલન ગુમાવવાથી દુર્ઘટના સર્જાય છે. રેલ વિભાગ હવે આવા પ્રયાસોને ગુનાની કક્ષામાં સામેલ કરવા જઇ રહ્યો છે અને આ સજાના પ્રસ્તાવને ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે. નજીકના ભવિષ્યમાં તમામ ડિવિઝનોને આ અંગે નોટિફિકેશન પણ મોકલી દેવાશે.

પોઝિટિવ રિઈન્ફોર્સમેન્ટ ગાંડપણની હદે લઈ જાય છે
સેલ્ફીની ઘેલછા અંગે અમદાવાદના જાણીતા કન્સલ્ટિંગ સાઇકૉલોજિસ્ટ ડૉ. હંસલ ભચેચ કહે છે, “સેલ્ફનો કન્સેપ્ટ માત્ર માણસમાં જ છે. માણસને પોતાનું પ્રતિબિંબ જોવું હંમેશાં ગમ્યું છે. એના કારણે જ અરીસા શોધાયા. પહેલાં રાજાઓ પોર્ટ્રેઇટ બનાવતા. વિન્સેન્ટ વાન ગોગ જેવા કલાકારે તો સેલ્ફ પોર્ટ્રેઇટ પણ દોરેલાં,જે એક પ્રકારની સેલ્ફી જ હતી. આ વાત સદીઓથી ચાલી આવે છે. કેમેરાની શોધ થતાં લોકો પોતાની જાતના ફોટો લેતા થયા. સ્માર્ટફોનના આવતા જાતનો ફોટો લેવો સહેલો બન્યો. અહીં સોશિયલ મીડિયાનો પણ પ્રવેશ થાય છે. જેમાં જાતનો ફોટો શૅર કરવાથી પોઝિટિવ રિઈન્ફોર્સમેન્ટ મળવા લાગે છે. કોઈ પોતાનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂકે અને લોકો તેને પસંદ કરે તેથી લાલચ વધે છે, જે ગાંડપણની હદે પહોંચી જાય છે. સેલ્ફી લેવામાં ખોટું નથી પણ તેમાં સંયમ- સભાનતા કેળવવી પડે છે.

નાર્સિસિઝમથી સેલ્ફાઈટિસ સુધી
મુંબઈસ્થિત સાઇકિયાટ્રિસ્ટ ડૉ.રાજન પ્રભુ કહે છે, “ગ્રીક દેવતા નાર્સિસે પોતાની છબી પાણીમાં જોઈ ત્યારથી તે પોતાના પ્રેમમાં પડી ગયેલા. પોતાના જ પ્રેમમાં પડવાની આ બીમારી નાર્સિસિઝમ તરીકે ઓળખાય છે જે વર્ષોથી ચાલ્યું આવે છે, પરંતુ હવે નાર્સિસિઝમથી શરૂ થયેલી આ સફર સેલ્ફાઈટિસ સુધી પહોંચી છે. આજે દુનિયાની ભીડમાં માનવી એકલો પડીને આત્મકેન્દ્રી બની રહ્યો છે. તે કોઈ ઘટનામાં પોતે સાક્ષી હોવાનું બતાવવા પોતાનો ફોટો ખેંચીને અન્ય સાથે શૅર કરે છે અને લોકો તેને વખાણે છે. જેટલા વધુ લોકો વખાણે તેટલો જ તે વ્યક્તિને વધુ આનંદ મળે છે. અમેરિકન નાગરિક ડેની બ્રાઉમનને દિવસની ર૦૦થી વધુ સેલ્ફી લઈને શૅર કરવાની આદત પડી ગઈ. એક દિવસ તેમ ન થતાં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

તનેે સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જવાયો ત્યારે ડૉક્ટરે આ બીમારીને સેલ્ફાઈટિસ નામ આપેલું. સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો એટલી હદે ગાંડા હોય છે કે ક્યારેક ભાન ભૂલી બેસે છે અને દુર્ઘટનાનો ભોગ બને છે. આનાથી બચવા માટે સોશિયલ મીડિયાના એડિક્શનથી દૂર રહેવાની ટેવ કેળવવી જોઈએ.છાશવારે સેલ્ફી લેવા મોબાઈલ હાથમાં ઉપાડવાની ટેવ હોય તો તેની અસર કોણી પર થઈ શકે છે. અમેરિકન ડૉક્ટર્સના મતે વારંવાર સેલ્ફી ખેંચવા હાથને ચોક્કસ એંગલમાં રાખવાથી કોણીમાં દુખાવો થાય છે, જે સમસ્યાને ‘સેલ્ફી એલ્બો’ નામ અપાયું છે.

દરિયાકિનારે સેલ્ફી પર પ્રતિબંધની માગ
દરિયાકિનારા પર સેલ્ફી લેવાનો યુવાનોનો ક્રેઝ ક્યારેક જોખમી બની શકે છે. દીવની ઘટના બાદ પોરબંદર જિલ્લામાં હર્ષદથી માધવપુર સુધીના લગભગ ૧૦૦ કિલોમીટરના દરિયાકિનારે સેલ્ફી લેવા પર પ્રતિબંધની માગણી સામાજિક કાર્યકર ભનુભાઈ ઓડેદરાએ કરી છે. તેઓ કહે છે, “હર્ષદ, પોરબંદર અને માધવપુરના દરિયાઈ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. આજના યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ છે તેથી દરિયામાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે અહીં સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકતાબોર્ડ મૂકવાની માગ કલેક્ટર સમક્ષ કરાઈ છે.”

વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૫માં સેલ્ફી ક્લિક કરતા સમયે થયેલા મોતનો વિશ્વવ્યાપી આંક ૨૭ છે. જેમાંથી ૧૫ વ્યક્તિનાં મોત ભારતમાં થયાં છે. જેથી કહી શકાય કે સેલ્ફીના કારણે થયેલાં કુલ મોતમાંથી લગભગ અડધાં મોત ભારતમાં નીપજ્યાં છે. વર્ષ ૨૦૧૫માં બાન્દ્રા-વર્લી સી લિન્ક નજીક સેલ્ફી ક્લિક કરતા સમયે બે વ્યક્તિનાં મોત થયાં હતાં. બાદમાં મુંબઈ પોલીસે મુંબઈમાં ૧૬ વિસ્તારને ‘નો સેલ્ફી ઝોન’ જાહેર કર્યા છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે જ દીવમાં એવી ઘટના બની છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા દીપકભાઈ વોરા પરિવાર સાથે દીવ ફરવા ગયા હતા. દીવના કિલ્લા પરથી ફોટોગ્રાફ ક્લિક કરતા સમયે તે કિલ્લા પર ૩૦૦ મીટરની ઊંચાઈ પરથી નીચે સમુદ્રમાં લપસી પડ્યા હતા. દરિયામાં તેને શોધવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.

સેલ્ફી એ ખરેખર વર્તમાન સમયની એક ગંભીર સમસ્યા બની રહી છે, કારણ કે સરકારે પણ સેલ્ફીના ક્રેઝ અંગે પૉલિસી મેટરની જેમ વિચારવાની ફરજ પડી છે. રેલવે જેવા સરકારી વિભાગે તો સેલ્ફી પર પ્રતિબંધ પણ મૂક્યો છે. જોકે સ્માર્ટ યુગમાં સેલ્ફીનો ખતરનાક ક્રેઝ નિવારવો મુશ્કેલ છે, પરંતુ આ માટે લોકોએ જ સભાન થવું પડશે. જોખમી સેલ્ફી લેવામાં જીવ જોખમમાં ન મુકાય એટલી સમજ લોકોએ જાતે જ કેળવવી પડશે.

સિતારાઓની ‘ઓસ્કર’ સેલ્ફી
૨૦૧૪ના ઓસ્કર એવૉર્ડ્માં હોલિવૂડના કેટલાંક ખ્યાતનામ સિતારાઓએ સાથે મળી સેલ્ફી ક્લિક કરી હતી. જે સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ હતી. આ સેલ્ફીમાં એન્જલિના જોલી, બ્રાડ પીટ, બ્રેડલી કૂપર, જેનિફર લોરેન્સ, જુલિયા રોબર્ટ્સ, મેરિલ સ્ટ્રીપ, લ્યુપિટા ન્યોન્ગો, કેવિન સ્પેસી અને કેનિંગ ટેટમ સહિતના કલાકારો હતા. આ સેલ્ફીને કોઈએ ‘ઓસ્કર સેલ્ફી’ કહી તો કોઈએ ‘મિલિયન ડૉલર સેલ્ફી’ કહી હતી.

સેલ્ફી સ્ટિક સાથે સેલ્ફી કોર્સ પણ હિટ
સેલ્ફીના વેચાણ સાથે સેલ્ફી સ્ટિકનું બજાર પણ એટલું જ ગરમ છે. વિવિધ એન્ગલથી સેલ્ફી ખેંચવા સેલ્ફી સ્ટિકનું ચલણ વધ્યું છે. પર્યટન સ્થળોએ જતાં લોકો પાસે આજકાલ સેલ્ફી સ્ટિક અચૂક હોય છે. જેમાં સામાન્ય સ્ટિક, બ્લૂટૂથ, ફોલ્ડેબલ તેમજ પોકેટ ટ્રૂઈપોડ પ્રકારની સ્ટિકની માગ વધી છે. સેલ્ફીનાં ક્રેઝથી યુ.કે.ની સિટી લિટ કૉલેજે સેલ્ફી પર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. એક માસના આ કોર્સમાં વિદ્યાર્થીઓને પરફેક્ફ સેલ્ફી ક્લિક કરવાનું શીખવાય છે. બાદમાં મે, ૨૦૧૫માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં પણ સેલ્ફી ક્લાસ નામનો કોર્સ જાહેર કરવામાં આવ્યો હતો.

એરહોસ્ટેસ સાથે સેલ્ફીની લાયમાં ગુજરાતીને જેલ
પ્લેન મુસાફરીમાં સેલ્ફીનો ક્રેઝ એક ગુજરાતી વ્યક્તિને પણ ભારે પડ્યો હતો. સાઉદી અરેબિયાથી જેટ એરવેઝની ફ્લાઈટમાં ભારત આવતાં મોહમ્મદ અબુબકર નામની વ્યક્તિએ એર હોસ્ટેસ સાથે સેલ્ફી લેવા પ્રયાસ કર્યો હતો. ક્રૂ સ્ટાફે મનાઈ કરવા છતાં ‘ચાલને યાર એક સેલ્ફી લઈએ’તેમ કહીને તે એક એરહોસ્ટેસને વળગી પડ્યો. એરહોસ્ટેસે તેની સામે બળજબરી કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ફ્લાઈટ લેન્ડ થવાની સાથે જ આ વ્યક્તિની અટક કરવામાં આવી હતી. તેની સામેની ફરિયાદમાં એરહોસ્ટેસે જણાવ્યું હતું કે, “આ વ્યક્તિએ મારો હાથ પકડીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીયે વાર ના પાડવા છતાં તે બળજબરી કરતો રહ્યો હતો.”

યોગેશ પટેલ, ચિંતન રાવલ

You might also like