વિજ્ઞાની સ્ટીફન હોકિંગનાં વ્હિલચેેર- રિસર્ચ અને એવોર્ડ્સની હરાજી

વોશિંગ્ટન: દિવંગત સ્ટીફન હોકિંગની અંગત વસ્તુઓની પહેલી વાર હરાજી થશે, તેમાં તેમનાં સાય‌િન્ટફિક પેપર્સ, હાઇટેક વ્હિલચેર અને દુનિયાભરમાં જાણીતા કાર્ટૂન શો ‘ધ સિમ્પ્સન્સ’ માટે લખાયેલી તેમની સ્ક્રિપ્ટ પણ સામેલ છે. હરાજીની જાહેરાત ગઇ કાલે કરાઇ હતી.

હોકિંગ દ્વારા ઉપયોગમાં લેેવાયેલી કુલ રર વસ્તુઓને ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમની મોટા ભાગની વસ્તુઓની કિંમત કરોડોમાં રહેશે. કેટલીક વસ્તુઓ માટે તો બોલીની શરૂઆત જ કરોડોથી થશે.

ક્રિસ્ટીઝ ઓક્શન ફોર્મમાં પુસ્તકો અને લિપિના જાણકાર થોમસ વેનિંગના જણાવ્યા મુજબ હરાજીમાં લેવાયેલાં રિસર્ચ પેપર્સ હોકિંગ્સે પોતાના પીએચડી રિસર્ચ દરમિયાન તૈયાર કર્યાં હતાં, તેમાં તેમની બુદ્ધિક્ષમતાની ઝલક દેખાય છે.

૧૯૬પમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન લખાયેલાં પાંચ રિસર્ચ પેપરમાંથી એક ‘પ્રોપર્ટી ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સ’ની હરાજીમાં લગભગ ૧.૪૩ કરોડ રૂપિયા મળી શકે છે. આ પેપર તેમણે પોતાના હાથે લખ્યાં અને સાઇન કર્યાં છે.

કેમ્બ્રિજમાં અરજી બાદ તરત જ પોતાની માનસિક બીમારી એલએલએસ અંગે જાણવા મળ્યું હતું. આ કારણે રર વર્ષની ઉંમરમાં જ તેમને લકવો થયો. આ પરિસ્થિતિમાં વોઇસ જનરેટિંગ કમ્પ્યૂટર અને હાઇટેક વ્હિલચેરના સહારે પોતાની મૂવમેન્ટ જાળવી રાખી.

હવે તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વ્હિલચેરની હરાજી થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ માટે કમસે કમ ૧૦થી ૧પ લાખ રૂપિયાની બોલી લાગી શકે તેમ છે. હરાજીમાં મળનારા બધા પૈસા સ્ટીફન હોકિંગ્સ ફાઉન્ડેશન અને મોટર ન્યુરોન ડિસીઝ એસો‌િસયેશનને આપવામાં આવશે.

You might also like