લોકપાલની નિમણૂંકની સર્ચ પેનલ થશે નક્કી, PM મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક

સરકારમાં ભ્રષ્ટાચાર પર રોક લગાવવા માટે લોકપાલની નિમણૂંકને લઇને 19 જુલાઇના રોજ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે 19 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લોકપાલ પસંદગીની સમિતિની બેઠક બોલાવી છે.

આ બેઠકમાં 7 સભ્યો સર્ચ પેનલ બનાવામાં આવશે. સર્ચ પેનલ લોકપાલ અને અન્ય સભ્યોની નિમણૂંકના નામોની ભલામણ કરશે.  કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે ન્યાયાધીશ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પીઠને જણાવ્યું છે કે સર્ચ પેનલ લોકપાલની નિમણૂંકની પ્રક્રિયા નક્કી કરશે, ત્યાર બાદ પસંદગી સમિતિ એક સમયમર્યાદની અંદર લોકપાલ તેમજ ચેરમેન તેમજ સભ્યોને પસંદ કરશે.

ઉલ્લેખનીય છે કે પસંદગી સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ,લોકસભા અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા અને નામી વિધિવેતા સામેલ છે. મે મહીનામાં સરકારે જણાવ્યું હતું કે લોકપાલની નિમણૂક કરવા વાળી પસંદગી સમિતિના નામી હસ્તી તરીકે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની પસંદગી કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ પીપી રાવના નિધન બાદ આ પદ ખાલી હતું.

જસ્ટિસ ગોગાઇની સાથે જસ્ટિસ આર. બાનુમાથી તેમજ નવીન સિંહાની ઉપસ્થિતિવાળી પીઠે જણાવ્યું કે 19મી જુલાઇના રોજ બેઠક પ્રસ્તાવિત છે, જેને લઇને હાલમાં કોઇ નિર્દેશ જાહેર કરવા માગતા નથી. કોર્ટમાં આગામી સુનાવણી 24 જુલાઇના રોજ કરવામાં આવશે. પીઠે આશા વ્યક્ત કરી છે કે આ વખતે પસંદગી સમિતિની સર્ચ પેનલ નક્કી કરી લેશે કે એક નિશ્ચિત સમયમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

You might also like