ટ્રેકની ચેમ્પિયન ભગવતી દેવી મજૂરીનો ટ્રેક પસંદ કરવા મજબૂર

નવી દિલ્હી :  આપણા દેશમાં ક્રિકેટ જેવી રમતમાં ટેલેન્ટ હંટનો સિલસિલો તો બહુ જ છે, પરંતુ અન્ય રમતોમાં શાનદાર પ્રદર્શન કરનારી પ્રતિભાઓ ગુમનામી અને બેહાલીમાં જિંદગી જીવવા મજબૂર છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાની એથ્લીટ ભગવતીદેવીની કહાણી પણ કંઈક આવી જ છે. રાજસ્થાનથી લઈને રાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભા દેખાડી ચૂકેલીભગવતી મનરેગામાં મજૂરી કરી દિવસો પસાર કરી રહી છે.

 

ભગવતીની સફળતાઓનું લાંબું લિસ્ટ જોઈને કોઈ પણ કહી ઊઠશે કે ભવિષ્ય ઉજવળ છે, પરંતુ રાજસ્થાનના સિરોહી જિલ્લાની એથ્લીટ ભગવતીદેવીની જિંદગી પોતાની અસલ મંજિલથી દૂર બેહાલી અને ગુમનામીના ટ્રેક પર પસાર થઈ રહી છે. સિરોહી જિલ્લાના પોતાના ગાવ નાગાણીમાં નાનાં મોટાં કામની સાથે સાથે હાથોમાં પાવડો પકડીને ભગવતી મનરેગામાં મજૂરી કામ કરી રહી છે.

 

વર્ષ ૨૦૦૨માં નાગાણી ગામની ભગવતીએ દોડ સ્પર્ધામાં દોડવાનું શરૂ  કરી દીધું હતું. ગામવાળાઓએ ભગવતીમાં પી. ટી. ઉષાની છબી જોવાનું શરૂ કરી દીધું. વર્ષ ૨૦૦૨માં જિલ્લા સ્તરીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં મળેલી જીત બાદ ભગવતીએ પછીનાં ચાર પાંચ વર્ષમાં રાજયસ્તરની સ્પર્ધાઓમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યા.વર્ષ ૨૦૦૬માં જયપુરમાં યોજાયેલી રાજય સ્તરીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ૨ મિનિટ ૩૨ સેકન્ડમાં ૮૦૦ મીટર દોડીને તે ચેમ્પિયન બની હતી.

 

ભગવતીની સફળતાએ તેના ગામ નાગાણીના લોકોની આશાઓ વધારી દીધી. ત્યારે કોણ જાણતું હતું કે ટ્રેક પર ઝડપથી દોડીને મેડલ એકઠા કરનારી ભગવતીને આવી રીતે મનરેગામાં કામ કરીને જીવનનું ગુજરાન ચલાવવું પડશે. પિતાનાં મૃત્યુની સાથે જ ભગવતી માટેમુશ્કેલીઓનો તબક્કો શરૂ થઈ ગયો. પહેલાં શિક્ષણ છૂટ્યું, પછી ટ્રેક છૂટ્યો અને પછી પતિએ તેને છોડી દીધી.

 

ભાઈના ઘેર પાછી ફરી તો રહેવા માટે ઘર તો મળ્યું, પરંતુ અનાજપાણીની મુશ્કેલી ખતમ થઈ નહીં. ભગવતીના ટેલેન્ટની કદર ના તો રાજસ્થાન સરકારે કરી કે ના એથ્લેટિકસ સાથે જોડાયેલી સંસ્થાઓએ. મજબૂરીમાં ભગવતીએ મજૂરી કરવાનો ટ્રેક પકડવો પડ્યો.જિંદગીની મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલી ભગવતીનાં સપનાં હજુ પણ તૂટ્યાં છે. ભગવતીઓ મળેલાં એ બધાં સર્ટિફિકેટનું બંડલ સાચવી રાખ્યું છે.

 

ભગવતીનો કિસ્સો એ વાતની સાક્ષી પૂરે છે કે ભારતમાં ક્રિકેટની રમત સિવાય અન્ય રમતના હાલ કેવા છે. બીજી કોઈ રમતમાં પ્રતિભાઓને ન તો કોઈ ગોડ ફાધર મળે છે કે ના જરૂરી મદદ. ભગવતીની આંખોમાં એ સવાલ પણ છે કે શું સરકાર કે રમત સાથે જોડાયેલી કોઈ સંસ્થા તેની કાળજી લેશે ખરી

You might also like