ડિસ્ક્સ થ્રોમાં સીમાએ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા ડિસ્ક્સ થ્રોઅર સીમા પુનિયાએ પણ રિયો ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કરી લીધો છે. પુનિયાએ અમેરિકાના સિલિનોઇસ (કેલિફોર્નિયા)માં પેટ યંગ્સ થ્રોઅર્સ ક્લાસિક-૨૦૧૬ સ્પર્ધામાં ૬૨.૬૨ મીટરના પ્રયાસથી ગોલ્ડ મેડલ જીતી લઈને ઓલિમ્પિકની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે.

૩૨ વર્ષીય સીમાએ હાર્ટનેલ કોલેજ થ્રોઅર્સ કેમ્પસમાં સિઝનના પોતાના સર્વશ્રેષ્ઠ ૬૨.૬૨ મીટર સાથે રિયો ઓલિમ્પિકના ક્વોલિફિકેશન માર્ક ૬૧.૦૦થી વધુ સારું પ્રદર્શન કર્યું. તેણે ૨૦૦૮ના ઓલિમ્પિકની ચેમ્પિયન અમેરિકાની સ્ટેફની બ્રાઉનને પછાડીને સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીતી લીધો. હરિયાણાની થ્રોઅર પોતાના ત્રીજા ઓલિમ્પિકમાં ભાગ લેશે. આ અગાઉ તે ૨૦૦૪ અને ૨૦૧૨ના ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે અને બંને વાર તે ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ હારી ગઈ હતી.

સીમા ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ (ટોપ્સ) યોજના અંતર્ગત રમત મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવાઈ રહેલા ફંડથી અમેરિકામાં ટ્રેનિંગ લઈ રહી છે. સીમાએ ૬૧.૦૩ મીટરના થ્રોથી ચીનના ગ્વાંગ્ઝુમાં ૨૦૧૪ની એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. સીમાએ ૨૦૧૪ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ૬૧.૬૧ મીટર સાથે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. સીમાનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૬૪.૮૪ મીટર છે, જે તેણે ૨૦૦૪માં નોંધાવ્યું હતું.

સીમાએ ૨૦૦૬ની મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વરની સાથે ૨૦૧૦ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં પણ બ્રાઉન્ડ મેડલ જીત્યો હતો. તે કરિયરમાં દસ વાર ૬૧.૦૦ મીટર ઉપર ડિસ્ક્સ થ્રોનો પ્રયાસ કરી ચૂકી છે.

You might also like