પુંડરીકની માતૃ-પિતૃ ભક્તિ જોઈ ભગવાન તેના ઘરે દર્શન દેવા આવ્યા

ભક્તિ એ એવો માર્ગ છે, જે પ્રભુને ભક્તની પાસે આવવા માટે વિવશ કરી દે છે, પછી પ્રભુ ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ જ રીતે પૌરાણિક ઘટનાઓ દર્શાવે છે કે ભક્તની ભક્તિથી ખુશ થઈને પ્રભુ તેના કહેવા પર ઈંટ ઉપર પણ ઊભા રહી જાય છે.

મહારાષ્ટ્રમાં પંઢરપુર તીર્થધામ છે. અહીં કૃષ્ણની પૂજા વિઠ્ઠલ ભગવાનના રૂપમાં કરાય છે. ભગવાન વિઠ્ઠલ વિઠોબા, શ્રીપુંડરીનાથ અને પાંડુરંગના નામે ઓળખાય છે. ભગવાન વિઠોબા અથવા પાંડુરંગ ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. એમને મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાનાં રાજ્યમાં ખૂબ જ માનવામાં આવે છે.

પંઢરપુરમાં પુંડરીક નામનો એક યુવાન હતો. ઉંમરલાયક થતાં તેનાં લગ્ન થયાં. સમય જતાં માતા-પિતા વૃદ્ધ થયાં. પુંડરીક અને તેની પત્ની માતા- પિતાની સેવા સરખી રીતે કરતાં નથી. તેનાં માતા-પિતા દુઃખી થતાં હતાં. તેવા સમયમાં એક શહેરના નગર શેઠ ગંગાજીની યાત્રા કરવા જતા હતા.

શેઠે જાહેરાત કરી હતી કે જે ભક્તો યાત્રામાં જોડાશે તેનો ખર્ચ હું આપીશ. આવું સાંભળી પુંડરીક અને તેની પત્ની યાત્રામાં જોડાયા. તેના પિતાએ ના પાડી. સેવામાં રહેવાનું કહ્યું. પુંડરીક કહે: ‘અમે તમારી સેવા કરવા જન્મ નથી લીધો. તમે ગામમાંથી ભિક્ષા માગી લેજો.’

માતા-પિતાને કોચવીને યાત્રામાં જોડાયા. બીજા દિવસે રાત્રીએ પેલા નગર શેઠને ગંગાજીએ દર્શન દઈને કહ્યું : ‘હે શેઠ! તમારા સંધમાં પંઢરપુરનો એક યુવાન તેનાં માતા-પિતાને દુઃખી કરીને આવ્યો છે. તેથી તેને ઘરે પાછો મોકલો. અન્યથા તમને યાત્રાનું ફળ નહિ મળે.’

આમ કહી ગંગાજી અદૃશ્ય થયા. સવારે શેઠે પવિત્ર થઈ પૂજા કરી. પુંડરીકને બોલાવી સર્વે વાત કરી. પુંડરીકને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. તે તુરંત ઘરે ગયો. માતા-પિતાની માફી માગી. અખંડ સેવામાં લાગ્યો.

પુંડરીકની માતૃ-પિતૃ ભક્તિ જોઈ ભગવાન તેને ઘરે દર્શન દેવા આવ્યા. તે સમયે પુંડરીક માતા-પિતાની સેવામાં હતો. પ્રભુને આસન આપવા માટે નજીકમાં રહેલી ઈંટ ફેંકીને કહ્યું: ‘હે ભગવાન! આપ ઈંટ ઉપર ઊભા રહો. હું માતા-પિતાની સેવા કરીને આપનાં દર્શને આવું છું.’

ભક્તને સદા આધીન રહેનાર ભગવાન ઈંટ ઉપર ઊભા રહ્યા. તે સમયે ઈંટ સોનાની થઇ. માતા-પિતાની સેવામાં ઘણો સમય લાગ્યો. પ્રભુ ઊભા-ઉભા થાકયા. થાક ઉતારવા પોતાના બન્ને હાથ કમર ઉપર રાખ્યા. પછી સમયે પુંડરીક સેવામાંથી પરવારીને ભગવાનનાં દર્શન કરવા આવ્યો.

ભગવાને પ્રસન્નતાથી કહ્યું: ‘હું તારી માતૃ-પિતૃ ભક્તિથી રાજી થયો છું. તારી માતૃ-પિતૃ ભક્તિને કાયમી યાદ રાખવા માટે હું હંમેશ માટે અહીયાં બન્ને હાથ કેડ ઉપર રાખીને ઊભો રહીશ.’ તે દિવસથી ભગવાન વિઠોબા સ્વરૂપે બિરાજે છે.•

You might also like