માણસમાં રહેલાં ઇશ્વરીય તત્વને સ્વીકારી તો જુઓ…

માત્ર ઈશ્વરમાં શ્રદ્ધા તે અડધી આસ્તિકતા છે.

  • ભૂપત વડોદરિયા

એક યુવાને મને કહ્યું – ‘વડીલ, તમે આસ્તિક છો કે નાસ્તિક?’ મેં જવાબ આપ્યો’ સાચું કહું તો હું આસ્તિક પણ છું અને નાસ્તિક’ પણ છું.’ યુવાને કુતૂહલથી પ્રશ્ન કર્યો ‘કોઈ પણ વ્યક્તિ એકી સાથે આસ્તિક અને નાસ્તિક કેવી રીતે હોઈ શકે?’

એનો જવાબ એ હતો કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એમાં આસ્તિકતા છે. માત્ર ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ અને ઈશ્વરને પ્રસન્ન કરવા જાતજાતનાં ક્રિયાકાંડ કરીએ પણ ઈશ્વરની પૂજા કરીએ, આરતી કરીએ, પ્રસાદ ધરાવીએ, તેનાં આસન પાસે માથું ટેકાવીએ એ બધું ઘણાબધા માણસો કરે છે. તમે ઈશ્વરમાં માનો, તેને માન આપો પણ માણસમાં ના માનો અને ઈશ્વરને ભરપૂર પ્રસાદ ધરાવો પણ ભૂખ્યાને એક રોટી ન આપો તો તે સાચી આસ્તિકતા નથી કેમકે પૂર્ણ આસ્તિક એ છે કે જે ઈશ્વરમાં અને માણસમાં બંનેમાં માને છે. લોકો મોટે ભાગે એવું માને છે કે પ્રભુની ખૂબખૂબ પ્રશંસા કરીએ, તેના પગમાં પડીએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને ભાતભાતના પ્રસાદ ધરીએ. આ બધું કરતી વખતે આપણે વિચારવું જોઈએ કે ઈશ્વર સર્વત્ર હોય, દરેક ક્ષણમાં અને દરેક કણમાં પરમાત્મા છે એવું આપણે માનીએ છીએ તો માણસમાં જ નથી !

સ્વામી વિવેકાનંદે એટલા માટે જ માત્ર પૂજા અને ગાયને ઘાસ નાખવાની વાત કરનારાઓનો ઊધડો લીધો હતો. દુષ્કાળના સમયમાં ગાયોને ઘાસ નાખવા માટે જ્યારે સ્વામી વિવેકાનંદનો ટેકો માગ્યો ત્યારે તેમણે પૂર્ણપ્રકોપથી કહ્યું, ‘આ કારમા દુષ્કાળમાં ઘાસના અભાવે ગાય મરે છે તે તમને દેખાય છે, માણસો અને નાનાં બાળકો મરે છે એ નથી દેખાતું? તમે દલીલ કરો છે કે ગાય માતા પવિત્ર છે. પણ ગાય તો પશુ છે અને છતાં પવિત્ર છે તો માણસ બિલકુલ પવિત્ર નથી ? દયાની વાત કરીને પશુઓને ઘાસચારો અને માણસને કંઈ નહીં! એને તમે શું માનવધર્મ કહેશો?’

આસ્તિકતા અનિવાર્ય છે. ઘણીબધી ખોટી વસ્તુઓમાં ન માનો તો તમે નાસ્તિક નથી બની જતા. કોઈ માણસ ઈશ્વરની પાસે પગ પાથરે, ઘણું બધું ધન મૂકે પણ ઈશ્વર કે દેવીને નાણાંની જરૂર નથી, કારણ કે એ પોતે જ લક્ષ્મી છે. આજે ઈશ્વરને રહેવા માટે આપણે કરોડો રૃપિયાનાં ખર્ચે મોટાં મંદિરો બંધાવીએ છીએ. એનાં નામે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે પ્રસાદ વહેંચીએ છીએ. પણ આપણે જોઈએ છીએ કે માણસની કિંમત તો આપણે ઘટાડતા જ જઈએ છીએ. આપણે ખરેખર દુઃખી માણસના દાતા બનતા નથી. આપણે કહીએ છીએ કે દુઃખ એ એના કર્મનું ફળ છે. ઈશ્વર જો સર્વત્ર હાજર હોય અને દયાળુ પણ છે તો એ બધું જોતો નહીં હોય ! આપણે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે દુખી માણસોને દુઃખ આપ્યું એ માન્યતા ટકી શકે તેવી નથી. કારણ કે માણસના મોટાભાગનાં દુઃખો તો માણસે જ આપેલાં હોય છે. આપણે જ ઊભી કરેલી અસમાનતા, આપણે જ કરેલું શોષણ અને આપણે જ કરેલા અન્યાયો એ બધા શું ઈશ્વરમાં મૂકેલી શ્રદ્ધાનાં ફળ છે? આપણે ઈશ્વરમાં ન્યાયની વાત કરીએ છીએ પણ આપણે શું ન્યાય કરીએ છીએ?

માત્ર ઈશ્વરમાં શ્રદ્ધા તે અડધી આસ્તિકતા છે. ઈશ્વરમાં અને માણસમાં બંનેમાં માનો ત્યારે તમે પૂર્ણ આસ્તિક બનો છો અને બધી જવાબદારીનો ટોપલો ઈશ્વરના માથે નાખવાને બદલે ઈશ્વરની થોડી જવાબદારી તમે પણ ઉઠાવો તો તમે ઈશ્વરને અને માણસને બંનેને માનો છો એમ કહી શકાય. કોઈ અમીર, કોઈ ગરીબ, કોઈ નિરોગી, કોઈ રોગી આ બધા ભેદો છે તો તેને ઈશ્વરની કામગીરી ગણીને આપણે આપણી જવાબદારી અદા કરવી જોઈએ. ભૂખ્યા માણસના પાત્રમાં ભગવાન આકાશમાંથી રોટલી ફેંકવાનો નથી. એનું માધ્યમ તો તમે પોતે જ છો. કારભારીની નિક્રિયતા આપણે ઈશ્વરને માથે નાખીએ છીએ. ભગવાન તો સૌથી મોટો શેઠ છે અને આપણે બધા તેના નાના-મોટા મુનીમો છીએ. એટલે સ્વામી વિવેકાનંદની વાત વિચારવા જેવી છે કે ઈશ્વરમાં માનવું અને માણસમાં ના માનવું એ સાચી શ્રદ્ધા નથી. તમે માત્ર ઈશ્વરને પૂજો પણ માણસની અવગણના કરો તો એ વાત ઈશ્વરને મંજૂર હોઈ ન શકે કેમ કે આપણે તો માનીએ છીએ કે પરમાત્મા પરમ દયાળુ છે.

આપણે માત્ર ઈશ્વરમાં જ માનીએ અને ઈશ્વરની મૂર્તિની પૂજા કરીએ તો તે અધૂરી પૂજા છે. ઠેરઠેર ભૂખ્યા માણસો હોય અને ભગવાનની મૂર્તિ પાસે મૂર્તિનું મુખ ઢંકાઈ જાય એવા અન્નકૂટના ડુંગર ઊભા કરીએ તો તેનાથી ઈશ્વર પ્રસન્ન થઈ ન શકે. માણસની અવગણના કરીને માત્ર મૂર્તિ પૂજવી એ સાચો ધર્મ નથી. ઈશ્વરને પ્રસન્ન કરવા અને જાતજાતની વિધિઓ કરો, તમે ઉપવાસ પણ કરો તો તમે છોડેલું અન્ન કોઈ ભૂખ્યાને આપ્યું? આપણે અન્નદાનને શ્રેષ્ઠ દાન કહીએ છીએ કારણ કે દરેક ભૂખ્યો ગરીબ માણસ એના હૃદયમાં ઈશ્વરને રાખીને બેઠો છે. દરેક આત્મામાં પરમાત્માનો અંશ છે તે સૌ સ્વીકારે છે. કેમ કે આજનું વિજ્ઞાન માણસનું શરીર ગણાવી શકે એટલું આગળ વધ્યું છે પણ એ શરીરમાં જીવ મૂકવાની શક્તિ તેણે પ્રાપ્ત કરી નથી.

દીવો અને વાટ હોય પણ તે વાટ પેટાવેલી ના હોય તો તે અંધકારનો એક અંશ પણ દૂર ના કરી શકે. આપણે ઈશ્વરની આરતી ઉતારીએ છીએ પણ ઈશ્વરને પ્રકાશની કંઈ જરૃર નથી કેમ કે આપણે તો તેને સ્વયંપ્રકાશી કહીએ છીએ. તેને માણસે રચેલા પ્રકાશની કે માણસ જેવી આંખોની તેને જરૂર નથી. આપણે તો સૂર્ય અને ચંદ્રને તેની આંખો ગણીએ છીએ. એટલે એક વાત મનમાં ઉતારવા જેવી છે કે ઈશ્વરે જે કેટલુંક આપ્યું છે, જેમકે આંખો, કાન, સૂંઘવા માટે નાક એ બધું ભગવાને આપેલી વિશેષ સજ્જતા છે અને આંધળો માણસ પણ આંતરચક્ષુથી ઈશ્વરની કલ્પના કરી શકે છે. ઘણીબધી વસ્તુઓ એવી છે કે જેને આપણે કુદરતી કહીએ છીએ પણ કોઈ પ્રશ્ન કરે કે વીજળી શું છે? વીજળીને શોધનાર વૈજ્ઞાનિકે એમ જ કહ્યું છે કે વીજળી છે, તમે તેનો ઉપયોગ કરો. ખરેખર એ શું છે એ તો હું પણ કહી શકતો નથી. ઈશ્વરે રચેલા પૃથ્વી સહિતના બધા ગ્રહો અને અસીમ અવકાશ જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ તેના પૂર્ણ રહસ્યો હજુ સુધી તો મહાન વિજ્ઞાનીઓ સહિત કોઈ તેનો પાર પામી શક્યું નથી.

મહાન વૈજ્ઞાનિક ન્યૂટને કહ્યું છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ મેં શોધ્યો એમ કહેવાય છે, પણ મને પહેલાં તો એ પ્રશ્ન થયો કે ઝાડનું ફળ પડે તો તે નીચે કેમ પડે છે અને ઉપર કેમ જતું નથી! એ જ ગુરુત્વાકર્ષણ! અને એના વિશે મારે વધુ કશું કંઈ કહેવા જેવું નથી. ગુરુત્વાકર્ષણના સાચા નિયમને આધ્યાત્મિકરૃપે જોઈએ તો આત્મા પરમાત્મા તરફ આકર્ષાય છે અને એ આકર્ષણ એ જ મૂળભૂત રીતે ઈશ્વરમાં શ્રદ્ધા છે.

આધુનિક વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને અણુમાં અસીમ શક્તિ હોવાનું શોધી બતાવ્યું તો કોઈ પણ માણસ સમજી શકે કે કુદરતે કે ઈશ્વરે અણુમાં આટલી અસીમ શક્તિ મૂકી હોય તો ઈશ્વરના અણુ જેવા માણસમાં કેટલી શક્તિ મૂકી હશે? સવાલ છે માત્ર માણસે તેને ઓળખવાનો અને તેનો ઉપયોગ વિનાશ માટે નહીં પણ સર્જન માટે કરવાનો. કેમ કે દરેક શક્તિમાં સર્જન અને વિસર્જનની શક્તિ રહેલી હોય છે.

—————-END—————-

 

 

You might also like