દેશદ્રોહના કાયદાની જોગવાઈમાં ફેરફાર કરવા સક્રિય વિચારણા

નવી દિલ્હી: જેએનયુમાં કન્હૈયા કુમારના પ્રકરણમાં દેશદ્રોહનો કેસ દાખલ થયા બાદ કેન્દ્ર સરકાર હવે દેશદ્રોહના કાનૂનની જોગવાઈમાં ફેરફાર કરવા વિચારણા કરી રહી છે. બ્રિટિશ સમયના આ કાનૂનમાં ફેરફાર માટે કાયદાપંચે ઉપસમૂહની રચના કરી છે. આ કાયદામાં ધર્મના આધારે સમાજને વહેંચવાની કોશિશ કરનારાઓ સામે સખત કાર્યવાહીની જોગવાઈ થઈ શકે છે. આ મુદ્દા પર નેશનલ લીગલ રિફોર્મ કમિટી પણ વિચારણા કરી રહી છે. આ ઉપરાંત આત્મહત્યા અને માર્ગ અકસ્માત સંબંધી કાનૂનમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજિજુએ રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જણાવ્યું હતું કે કાયદાપંચ પહેલાં જ આત્મહત્યાના પ્રયાસને અપરાધ નહિ ગણી તેને અલગ શ્રેણીમાં ગણવા ભલામણ કરી ચૂક્યું છે.  કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે દેશદ્રોહના કાનૂનમાં ફેરફાર અંગે કાયદાપંચનો અહેવાલ આવ્યા બાદ તમામ પક્ષ સાથે આ મુદ્દે ચર્ચા કરી સલાહ લેવામાં આવશે. દેશદ્રોહ સંબંધિત ભારતીય દંડસંહિતાની કલમ ૧ર૪(ક) ને એક સંશોધન દ્વારા ૧૮૭૦માં આઈપીસીમાં સામેલ કરવામાં આવી હતી. દેશદ્રોહના મામલામાં ર૦૧૪માં ૪૭ કેસ દાખલ થયા હતા. જેમાં બિહારમાં ૧૬ કેસ દાખલ થયા હતા અને ર૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બિહાર બાદ ઝારખંડ અને કેરળમાં આવા કેસ વધુ નોંધાયા છે.

રાજયસભામાં આ મુદ્દે તારાંકિત પ્રશ્નોના જવાબમાં રિજિજુએ જણાવ્યુ કે દેશદ્રોહના કાનૂનમાં ફેરફારની પ્રક્રિયા ર૦૧રમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગૃહ મંત્રાલયે કાયદા અને ન્યાય મંત્રાલય પાસે તેમાં સંશોધન માટે માર્ગદર્શન માગ્યું હતું. કાનૂન મંત્રાલયે કાયદાપંચ સમક્ષ દેશના અપરાધિક કાનૂનની વ્યાપક સમીક્ષા કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ ૧૧ ડિસેમ્બર, ર૦૧૪ના રોજ કાયદાપંચે ફેરફાર કરવાનો નિર્ણય કર્યા બાદ માહિતી આપી હતી.

You might also like