કેજરીવાલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ સુરક્ષામાં વધારો

નવી દિલ્હી: દિલ્હી પોલીસને ગઈ કાલે સાંજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન મળતાં પોલીસે સચિવાલય અને કેજરીવાલના નિવાસ આસપાસની સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી હતી, જોકે બાદમાં પોલીસે બંને સ્થળે તપાસ કરતાં આ ફોન બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગઈ કાલે સાંજે ૪-૩૦ કલાકે કંટ્રોલરૂમમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારા શખ્સે પોલીસને જણાવ્યું હતું કે તે એક કલાકમાં કેજરીવાલને બોમ્બથી ઉડાવી દેશે, માટે તેમને બચાવવા જે કરવું હોય તે કરી શકો છો. ત્યાર બાદ પોલીસે તરત જ મધ્ય જિલ્લા અને ઉત્તર જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં સચિવાલય અને મુખ્યપ્રધાનના નિવાસનો સમાવેશ થાય છે. આ બંને સ્થળે પર પણ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ફોન વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી) દ્વારા કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગત મહિનામાં પણ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં ધમકી આપનારે તેમના કાર્યાલય પર ઈ-મેઈલ કરી કેજરીવાલને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ત્યાર બાદ દિલ્હી સરકારના ગૃહ વિભાગે પોલીસને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

You might also like