આતંકીઓની હવે ખેર નહીં!, રાજધાનીની સુરક્ષાનું કમાન નારી શક્તિનાં હાથમાં

હિન્દુસ્તાનની વીર નારીઓનાં અનેક કવિઓએ ગુણાગાન ગાયાં છે. ભારતની નારી જમીનથી અવકાશ સુધી પહોંચી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. તો ભારતમાં પણ અનેક ઉચ્ચ પદો શોભાવી નારી શક્તિનો પરચો આપ્યો છે.

હવે વધુ એક વખત દેશની મહિલાઓ પોતાનું શૌર્ય બતાવવા તૈયાર છે. આ વખતે જવાબદારી છે દેશની રાજધાની દિલ્લીની સુરક્ષાની. તો હવે જોવા મળશે આતંકીઓનાં છક્કા છૂડાવવા રણભૂમિ પર ઉતરનારી હિન્દુસ્તાની મહિલા SWAT ટીમનો પ્રભાવ.

સ્પેશિઅલ વિપન એન્ડ ટેક્ટિસ ટીમ એટલે કે SWAT. જેની શક્તિઓને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે અને જે પોતાનું રૌદ્ર રૂપ બતાવે તો બધું ભસ્મિભૂત કરી નાંખે છે એવી નારીશક્તિ હવે આતંકીઓ સામે બે બે હાથ કરતી જોવાં મળશે. 15 મહિનાની કઠીન ટ્રેનિંગ બાદ આ મહિલાઓ હવે રણભૂમિમાં ઉતરવા અને આતંકીઓનાં છક્કા છૂડાવવા માટે તૈયાર થઈ છે.

આતંકીઓને જડબાતોડ જવાબ આપવા દેશની પહેલી ઓલ વુમેન SWAT ટીમ તૈયાર કરાઈ છે. આ મહિલા ટીમ હવે દિલ્લીની સુરક્ષામાં તૈનાત થશે. ગૃહમંત્રી રાજનાથસિંહ આ સ્પેશિયલ વિમન કમાન્ડો ટીમને રાજધાનીનાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં તૈનાત કરશે. જેમાં લાલકિલ્લા અને ઈન્ડિયા ગેટની પાસે પણ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી SWAT ટીમ સંભાળશે.

36 મહિલા કોન્સ્ટેબલની આ વુમેન SWATની ટીમમાં તમામ મહિલાઓ ઉત્તર-પૂર્વનાં રાજ્યોથી છે. જેમાં સૌથી વધારે આસામ રાજ્યમાંથી છે. 13 મહિલા કોન્સ્ટેબલ આસામમાંથી આવે છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને મણિપુરની 5-5 મહિલાઓ છે. મેઘાલયથી 4, નાગાલેન્ડથી 2, મિઝોરમથી 1 અને ત્રિપુરાથી 1 મહિલા છે અને જેમને ઈઝરાયલી કર્વ માગની સ્પેશિયલ કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી છે.

જે ટેરર સ્ટ્રાઈક અને હોસ્ટેજ ક્રાઈસિસ જેવી તમામ સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ છે. જે MP 5 સબમશીન ગન અને ગ્લોક 21 પિસ્તોલથી લેસ હશે. MP 5 સબમશીન ગન સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આ સાથે આ ટીમને હેન્ડ ગ્રેનેડ કિટ, વાયરલેસ સેટ, 20 મીટર નાઈલોન દોરી, પેન્સિલ ટોર્ચ, બુલેટપ્રુફ જેકેટ, હેલ્મેટ, કટર અને કમાન્ડો ડેગર પણ આપવામાં આવશે. આ મહિલાઓ હથિયાર વગર પણ હથિયાર ધારી હુમલાવરો સામે લડી શકે છે.

દેશમાં પાટનગર દિલ્લી સૌથી સંવેદનશીલ અને સુરક્ષાનાં ઘેરાવાળો વિસ્તાર કહેવાય છે. ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 15 ઓગસ્ટે લાલ કિલ્લામાં સુરક્ષાની જવાબદારી મહિલા SWAT ટીમની પાસે હશે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં આ પ્રકારે SWAT ટીમ છે. જેનો અભ્યાસ કરીને અનેક દેશોએ પોતાની SWAT ટીમ બનાવી છે.

આ ટીમની રચના આતંકી અને મોટી ઘટનાઓનો સામનો કરવા માટે બનાવવામાં આવે છે. ભારતની વાત કરીએ તો મુંબઈ પર થયેલા આતંકી હુમલા બાદ આ ટીમ બનાવવાનાં પ્રયાસો તેજ થઈ ગયાં હતાં.

હવે જ્યારે ટીમ તૈયાર થઈ ગઈ છે ત્યારે તેમાંથી કેટલીક મહિલાઓને એન્ટી ટેરર બેન પરાક્રમમાં તૈનાત કરાશે. એટલે કે સામાન્ય લોકોની સુરક્ષાથી લઈ દેશનાં રખુપા કરવાની જવાબદારી નારી શક્તિનાં હાથમાં આવી છે. ત્યારે હિન્દુસ્તાન સામે કોઈ આંખ ઉંચી કરીને જોઈ પણ નહીં શકે.

You might also like