જીટીયુમાં ચેકિંગ અંગે ટકોર કરતા સિક્યોરિટીએ પ્રોફેસરને માર માર્યો

અમદાવાદ: શહેરના વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પ્રોફેસરને સિક્યોરિટી ગાર્ડે માર માર્યો હોવાની ઘટના બની છે. પ્રોફેસરે સિક્યોરિટી ગાર્ડને ‘કોલેજમાં આવતા માણસોને ચેક કરીને જવા દો’ કહેતાં લાકડી વડે માર માર્યો હતો. ચાંદખેડા પોલીસે સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડાના ઉત્સવ ડુપ્લેક્સમાં દીપેશ મકવાણા (ઉં.વ.૪૦) તેમના પરિવાર સાથે રહે છે. દીપેશ જીટીયુમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે તેઓ કોલેજમાં ગયા હતા. દરમ્યાનમાં ગેટ પર સિક્યોરિટી તરીકે ફરજ બજાવતો જિજ્ઞેશ શ્રીમાળી બેઠેલો હતો. દીપેશે જિજ્ઞેશને તમે ગેટ પર બેસી રહેશો નહીં, કોલેજના પ્રિન્સિપાલની સૂચનાનું પાલન કરી કોલેજમાં આવતા માણસોને ચેક કરીને જવા દો તેમ કહ્યું હતું.

આટલું કહેતાંની સાથે જિજ્ઞેશ ઉશ્કેરાઈ ગયો હતો અને દિપેશને બે-ત્રણ થપ્પડ મારી દીધી હતી. બાજુમાં પડેલી લાકડી લઈને પ્રોફેસરને માર માર્યો હતો. દીપેશના મિત્રએ મારમાંથી છોડાવી લેતાં જિજ્ઞેશ ત્યાંથી નાસી ગયો હતો. દીપેશભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જિજ્ઞેશ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like