અાલ્ફાવન મોલમાં સિક્યોરિટી ગાર્ડે જ પાંચ લાખની ચોરી કરી

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં અાવેલા અાલ્ફા વન મોલમાં જેક એન્ડ જોન્સ નામના કપડાંના શો રૂમમાંથી રોકડા રૂ. ૫.૪૩ લાખની મતાની ચોરી કરનાર અાલ્ફા વન મોલના બે સિક્યોરિટી ગાર્ડની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. બંને ગાર્ડે રાત્રે મોલ બંધ થયા પછી ચોરી કરી હતી. પોલીસે બંને પાસેથી રોકડા રૂપિયા કબજે કર્યા હતા.

હાંસોલ વિસ્તારમાં કાંતા એપાર્ટમેન્ટ પાસે પવનકુમાર વૈંક્ટ સ્વામી અાલ્ફા વનમાં જેક એન્ડ જોન્સનો શો રૂમ ધરાવે છે. રવિવારે રાત્રે પવનકુમાર શો રૂમ બંધ કરીને ઘરે ગયા અને બીજા દિવસે તેઓ અાવ્યાં ત્યારે શો રૂમમાં પૈસા મૂકવાનું લોકર ગાયબ હતું લોકરમાં રોકડા રૂ. ૫.૪૩ લાખની ચોરી કરી ચોર ફરાર થયા હતા.

અા અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરાઈ. પોલીસે મોલમાં લાગેલા સીસીટીવી ફુટેજ તપાસતા એક શખસ નજરે પડ્યો. તમામ ગતિવિધિઓ ફુટેજમાં દેખાતા પોલીસે જલદીપસિંગ અજયસિંગ વિશ્નોઈ (ઉં.વ. ૨૩)ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં જયેન્દ્રસિંગ ઉર્ફે જિતુ અભિજિત વિશ્નોઈ (ઉં.વ.૨૦)એ તેને ચોરી કરવા કહ્યું હતું. જયેન્દ્રસિંગ મોલમાં સિક્યોરિટી ગાર્ડ છે અને તેને તમામ શો રૂમ અંગેની માહિતી હોય તેણે તેના મિત્ર જયદીપ જે સિંધુ ભવનમાં ચોકીદાર છે તેને ચોરી કરવા કહ્યું હતું અને મોલ બાબતે તમામ જાણકારી અાપી હતી. બંને અારોપીઓ ચોરી બાદ ઉત્તરપ્રદેશ ભાગી જવાની ફિરાકમાં હતા પરંતુ પોલીસે તે પહેલાં જ તેઓને ઝડપી લીધા હતા.

લોકર ન મળતા ફોન ઉપર તમામ માહિતી અાપી

જલદિપસિંગ જ્યારે મોલમાં અાવેલા શો-રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેણે અાસપાસ શોધખોળ કરી હતી પરંતુ પૈસાનું લોકર તેને મળ્યું ન હોતું ત્યારે તેણે જયેન્દ્રસિંગને ફોન કરી અને પુછ્યુ હતું. જયેન્દ્રસિંગે ફોન ઉપર જ જયદિપસિંગને તમામ માહિતી અાપી હતી. ચોરી કરી શો-રૂમમાંથી નીકલ્યા બાદ પણ ક્યાંથી ક્યા જવું તે માટે પણ ફોન ઉપર જ તેણે તમામ ગાઈડન્સ પુરૂ પાડ્યું હતું.

You might also like