પાકિસ્તાન તરફી હુર્રિયતના વધુ 18 નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી

(એજન્સી) જમ્મુ: સરકારી સુરક્ષામાં સલામત રહીને આતંકીઓની ભાષા બોલનારા અને પાકિસ્તાન તરફી હુર્રિયતના કટ્ટરપંથી જૂથના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની સહિત ૧૮ અલગતાવાદી નેતાઓની સુરક્ષા જમ્મુ-કાશ્મીર પ્રશાસને પાછી ખેંચી લીધી છે. આ ઉપરાંત રાજ્યના ૧૫૫ નેતાઓ-કાર્યકરોની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે. સુરક્ષા પાછી ખેંચવાથી ૧૦૦૦ જવાન અને ૧૦૦થી વધુ ગાડીઓ હવે પોલીસની રૂટિન ડ્યુટી માટે ફ્રી થઈ ગઈ છે. સિવિલ સર્વિસિઝના ૨૦૧૦ના ટોપર અને હાલમાં જ આઈએએસ અધિકારીની નોકરી છોડનારા શાહ ફૈઝલનું નામ પણ સુરક્ષા ઘટાડવાની યાદીમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીર પ્રશાસને હુર્રિયતના ઉદારવાદી જૂથના ચેરમેન મૌલવી મીરવાઈઝ ઉમર ફારુક સહિત પાંચ અલગતાવાદી નેતાઓની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હતી. તેમાં પ્રોફેસર અબ્દુલ ગની ભટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી અને શબ્બીર અહમદનો પણ સમાવેશ થાય છે. પુલવામા આતંકી હુમલા બાદ સરકાર તરફથી આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેશમાં રહીને કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા આ અલગતાવાદીઓની સુરક્ષા પાછળ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

હુર્રિયત નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાનો અને અન્ય ૧૫૫ રાજનેતાઓ-કાર્યકરોની સુરક્ષા ઘટાડવાનો નિર્ણય જમ્મુમાં મળેલી ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ બેઠક રાજ્યપાલના સલાહકાર વિજયકુમારની અધ્યક્ષતામાં મળી હતી. તેમાં મુખ્ય સચિવ, પોલીસ પ્રશાસન અને ગૃહ વિભાગના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે સુરક્ષા સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, અલગતાવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા સંસાધનોની બરબાદી જ છે. બેઠકમાં સુરક્ષાના કવચમાં રહેનારા નેતાઓને હકીકતમાં કેટલો ખતરો છે તેનું વિશ્લેષણ કર્યા બાદ તેમને મળેલી સુરક્ષા ઘટાડવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સંકળાયેલા જે ૧૫૫ લોકોની સુરક્ષા ઘટાડવામાં આવી છે તેમાં શાહ ફૈઝલ અને વાહિદ પર્રે ઉપરાંત પીડીપીના કેટલાક નેતાઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ હુર્રિયતના નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાની આ કાર્યવાહી કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગતાવાદીઓની સાંઠગાંઠ તોડવા માટે કરવામાં આવી છે.

ગૃહ વિભાગે હુર્રિયતના જે ૧૮ નેતાઓની સુરક્ષા પાછી કેંચવામાં આવી તેમાંથી ૧૪નાં નામ જાહેર કર્યાં છે. જેમાં સૈયદ અલી શાહ ગિલાની, આગા સઈદ મોસવી, મૌલવી અબ્બાસ અન્સારી, યાસિન મલિક, સલીમ જિલાની, શાહિદ ઉલ ઈસ્લામ, જફ્ફર અકબર ભટ, નઈમ ખાન, મુખ્તાર અહમદ વાજા, ફારુક અહમદ કિચલૂ, મશરૂર અબ્બાસ અન્સારી, આગા સઈદ અબુલ હુસૈન, અબ્દુલ ગની શાહ અને મોહમ્મદ મુસદ્દિકનો સમાવેશ થાય છે.

પ્રશાસનના આ મોટા ફેંસલાથી જમ્મુ-કાશ્મીર પોલીસ પરનો વધારાનો બોજો હવે ઘણો હળવો થઈ જશે. સુરક્ષા પાછી ખેંચવાના અને ઘટાડવાના નિર્ણયથી એક હાજરથી પણ વધુ પોલીસકર્મી અને ૧૦૦થી વધુ વાહનો હવે ફ્રી થઈ ગયાં છે. ગૃહ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષામાંથી પરત બોલાવાયેલા પોલીસકર્મી અને વાહનો હવે પોલીસના રૂટિન કાર્યવાહી માટે ઉપયોગમાં લેવાશે.

You might also like