કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યોઃ બે ઘેરાયા

(એજન્સી) શ્રીનગર: ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણો વધી ગઇ છે. આજે સોપોરના વારપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં એક આતંકીને ઢાળી દીધો છે અને બે આતંકીઓને ઘેરી લીધા છે. હજુ પણ બે આતંકીઓ છુુપાયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા સંયુકત ઓપરેશન ચાલી રહ્યું છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગઇ કાલે મોડી રાતે સુરક્ષાદળોને એવા ઇનપુટ મળ્યા હતા કે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં વારપોરા સ્થિત એક મકાનમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે. ઇનપુટના આધારે સુરક્ષાદળોએ સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ એકાએક સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

દરમિયાન આ અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. જ્યારે હજુ પણ વારપોરા વિસ્તારના આ મકાનમાં બે આતંકીઓ છુપાયા છે અને તેમને શોધવા સર્ચ ઓપરેશન જારી છે. અહેવાલો અનુસાર પોલીસે સમગ્ર વિસ્તારમાં કલમ-૧૪૪ લાગુ કરી છે અને વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે, જેને લઇને આતંકીઓ એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી.

દરમિયાન શોપિયા જિલ્લામાં એક આર્મી કેમ્પ પર ફાયરિંગ થયાના અહેવાલ છે. શોપિયાના નગીસરા વિસ્તારમાં આવેલ આર્મીના રાષ્ટ્રીય રાઇફલ્સ કેમ્પ નજીક શકમંદ પ્રવૃત્તિ જોયા બાદ અહીં તહેનાત સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું એટલું જ નહીં, કોઇ આતંકી સા‌િજશની દહેશતમાં સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન પણ કર્યો છે. આ ઘટના બાદ આર્મી અને સ્થાનિક ટીમોની મદદથી શોપિયાના નગીસરા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આમ પણ દ‌િક્ષણ કાશ્મીરમાં એલર્ટ જારી જ છે.

You might also like