ફારુક અબ્દુલ્લાના ઘરમાં કાર સાથે ઘૂસણખોરીનો પ્રયાસઃ ડ્રાઇવર ઠાર

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા જે કોલોનીમાં રહે છે તે કોલોનીના મેઇન ગેટ પર મૂકવામાં આવેલ બે‌િરકેડ તોડીને એક કાર અંદર ઘૂસી ગઇ હતી અને ત્યાર બાદ તેમની સુરક્ષામાં તહેનાત જવાનોએ ફાયરિંગ કરીને આ ઘૂૂસણખોરને ઠાર માર્યો હતો. શકમંદ ઘૂસણખોરનું નામ મહરુફ અહમદ હોવાનું બહાર આવ્યું છે અને તે પુંચનો રહેવાસી છે.

ડો. ફારુક અબ્દુલ્લા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર આવેલા બઠીંડી વિસ્તારમાં રહે છે. જ્યાં આ ઘટના બની હતી. આજે સવારે લગભગ ૧૦-૦૦ વાગ્યાની આસપાસ એક ઘૂૂસણખોર એસયુવી ગાડીમાં સવાર થઇને પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાનની અંદર બળજબરીપૂર્વક ઘૂસી ગયો હતો.

તેમના ઘરની સુરક્ષામાં તહેનાત સુરક્ષાકર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં ઘૂસણખોર નહીં રોકાતાં સુરક્ષાદળોએ તેના પર ફાયરિંગ કરીને તેને ઠાર માર્યો હતો.

જમ્મુના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી) એસ.ડી.સિંહ જામવાલ, ડીઆઇજી સહિત પોલીસના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચી ગયા હતા. જોકે તેમણે આ મામલામાં વધુ કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. અલબત્ત આ હુમલો આતંકી હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

પોલીસ અને સીઆરપીએફની બે બખ્તરબંધ ગાડીઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગઇ છે. સમગ્ર ઘર અને આસપાસના વિસ્તારને સુરક્ષાદળોએ કોર્ડન કરી લીધો હતો. અહેવાલો અનુસાર આ ઘટના ત્યારે ઘટી હતી જયારે ફારુક અબ્દુલ્લા પોતાના ઘરમાં હાજર નહોતા.

You might also like