શેરદલાલને ત્રણ વર્ષનો રેકોર્ડ રાખવા સેબીની તાકીદ

મુંબઇ: સેબીએ શેરદલાલની વધતી જતી ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવા ગ્રાહક સાથેના ટેલિ કોમ્યુનિકેશન્સનો રેકોર્ડ ત્રણ વર્ષ માટે રાખવા તાકીદ કરી છે. નોંધનીય છે કે આ અગાઉ બજાર નિયમન કરતી એજન્સી દ્વારા કોઇ જ સમયમર્યાદા નક્કી કરવામાં આ‍વી ન હતી. શેરદલાલ એસોસિયેશને સેબીના નિર્દેશથી પડનારી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કર્યા બાદ સેબીએ ત્રણ વર્ષની મુદત નક્કી કરી છે એટલું જ નહીં ગ્રાહક અને શેરદલાલ વચ્ચે કોઇ મુદ્દે વિવાદ ઊભો થયો હોય તો વિવાદનો અંતિમ ઉકેલ ન આવે ત્યાં સુધી આ રેકોર્ડ જાળવી રાખવાનો રહેશે એટલું જ નહીં, બજાર નિયમન કરતી એજન્સી સેબી ઇચ્છે કે કોઇ ચોક્કસ રેકોર્ડ જાળવી રાખવામાં આવે તો તે સૂચના મુજબ બ્રોકર્સે આ રેકોર્ડની જાળવણી કરવાની રહેશે.

શેરદલાલ અને ગ્રાહક વચ્ચેનો રેકોર્ડ લેખિતમાં અને ગ્રાહક દ્વારા સહી કરેલો, ટેલિફોનિક રેકોર્ડિંગના સ્વરૂપમાં સત્તાવાર ઇ-મેઇલ દ્વારા એસએમએસ મેસેજ કે અન્ય કોઇ કાનૂની રેકોર્ડ સ્વરૂપમાં હોઇ શકે છે.

શેરબજારના ટ્રેડિંગ અંગે કોઇ પ્રશ્ન ઊભો થાય તો આ સંજોગોમાં સત્તાવાર ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાની જવાબદારી બ્રોકર્સની રહેશે અને જો બ્રોકર આ ક્લાયન્ટના આ દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તે માટે ખુલાસો કરવો પડશે.

You might also like