ગોમતીપુર વોર્ડમાં ઇજનેર વિભાગના કર્મચારીઅો હડતાળ પર ઊતર્યા

અમદાવાદ: ગઇ કાલે પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર દેવેન્દ્ર વિસનગરી ઉર્ફે ટીનાભાઇએ આસી.ઇજનેરને મારમારતા તેના આજે પણ વોર્ડમાં ઘેરાપ્ર‌ત્યાઘાત પડ્યા છે. ગોમતીપુર વોર્ડમાં ઇજનેર વિભાગ હડતાળ પર ઉતરી ગયો છે. આની સાથે સાથે સમગ્ર પૂર્વ ઝોનમાં પણ ઇજનરે વિભાગ રોષથી ધૂંવાપૂંવા છે.

ચાલીઓમાં પથ્થર નાખવા અને પાણીના પ્રશ્ને ગઇકાલે કોર્પોરેટર દેવેન્દ્ર વીસનગરી ઉશ્કેરાઇ ગયાં હતાં. તેમણે વોર્ડના આસીસ્ટન્ટ ઇજનેર સાથે ગાળાગાળી કરીને માર પણ માર્યો હતો. આસી.ઇજનેરને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા હતાં. કોર્પોરેટરે પોતાના સાથીદારો સાથે મળીને કરેલી આ મારામારીના પગલે પૂર્વ ઝોનના ઇજનેર વિભાગમાં આજે પણ ભારે રોષ ફેલાયો છે. ઇજનેર વિભાગના સૂત્રો કહે છે ગોમતીપુર વોર્ડમાં ઇજનેરોએ પ્રવેશ નહીં કરવાનો નિર્ણય લીધો છે. લોકોની સુવિધા જોવાની સાથે સાથે અમારી સલામતી પણ અમારે જોવાની કે નહીં?

બીજી તરફ મ્યુનિ. કોંગ્રેસ પણ આ મામલે ગંભીર બન્યું છે મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્મા કહે છે કે આગામી તારીખ ર૯ એપ્રિલની બોર્ડ બેઠક બાદ પક્ષના વરિષ્ઠ કોર્પોરેટરો નવા કોર્પોરેટરોને કોર્પોરેશનના નિતી નિયમોથી વાકેફ કરશે. જોકે કેટલીક વાર અધિકારીઓનું વર્તન પણ ભારે બેહુદુ હોય છે. કોર્પોરેટર પ્રજાના પ્રશ્ન લઇને જે તે અધિકારી પાસે જાય છે તે વખતે અધિકારીઓએ પણ તુમાખીભર્યું વર્તન છોડીને જે તે સમસ્યાના ઝડપી નિરાકરણ માટે પ્રયત્ન કરવા જોઇએ. જોકે મે દેવેન્દ્રભાઇને આ મામલે ઠપકો પણ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસેના કુલ ૪૯ કોર્પોરેટરો પૈકી અડધોઅડધથી વધુ એટલે કે ૩૦-૩ર કોર્પોરેટરો સાવ નવા નિશાળીયા જેવા છે. એટલે કે પહેલીજ વખત ચૂંટાયા છે. જોકે અશિસ્તના મામલે ભાજપના ઇસનપુરના કોર્પોરેટર પુલકીંત વ્યાસ ભારે ગાજ્યાં હતાં. જેમાં છેવટે ભાજપ હાઇકમાન્ડે ભીંનું સંકેલી લીધું હતું.

You might also like