પશ્ચિમ બંગાળ ભડકે બળ્યુંઃ આસનસોલમાં બોમ્બ-પથ્થરમારો, આગચંપી, હિંસક અથડામણો

આસનસોલ, ગુરુવાર
પશ્ચિમ બંગાળના આસનસોલમાં રામનવમીના દિવસે ભડકી ઊઠેલી હિંસા વધુને વધુ વકરતી જાય છે. આસનસોલ સહિત સમગ્ર બંગાળ ભડકે બળી રહ્યું છે. આસનસોલમાં બોમ્બમારો, પથ્થરમારા અને ઘરો ફૂંકી મારવાની હિંસા ચાલુ રહી છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયને પણ સળગાવવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને આસનસોલ અને દુર્ગાપુરનો પ્રવાસ નહીં કરવાની સલાહ આપી છે.

આસનસોલના પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર બુધવારે પણ બંને સમુદાય વચ્ચે હિંસક અથડામણો ચાલુ રહી હતી. શાંતિ વ્યવસ્થા જાળવવા કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે અને આગામી ૪૮ કલાક સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ૩૦ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. મોટા પાયે સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર તોફાનીઓએ બોમ્બમારો અને આગચંપી કરી હતી. કેટલાંય મકાનોને ફૂંકી મારવામાં આવ્યાં હતાં. પથ્થરમારાને કારણે એક મહિલા કોર્પોરેટરને ઇજા પહોંચી હતી. પોલીસની હાજરીમાં જ બંને કોમના લોકો એકબીજા સામે હિંસા પર ઊતરી આવ્યા હતા. પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. રાણીગંજમાં તોફાનીઓની ઝપટે ચડેલા આસનસોલ અને દુર્ગાપુરના ડે.પોલીસ કમિશનર અરિંદમ દત્તા ચૌધરીએ પોતાનો એક હાથ ગુમાવી દીધો છે.

રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ દુર્ગાપુર હોસ્પિટલ જવાનો કાર્યક્રમ ઘડયો હતો કે જ્યાં આસનસોલના ડીસીપી અરિંદમ દત્તા ચૌધરીને દાખલ કરવામાં આવ્યા છે. દેશી બોમ્બથી થયેલા હુમલામાં અરિંદમ દત્તા ચૌધરીનો એક હાથ ઊડી ગયો હતો.

ભાજપ સહિત વિપક્ષોએ એવો આક્ષેપ કર્યો છે એક બાજુ બંગાળ ભડકે બળી રહ્યું છે અને બીજી બાજુ મુખ્યપ્રધાન મમતા બેનરજી દિલ્હીમાં ત્રીજા મોરચાની તૈયારીમાં વ્યસ્ત છે. આસનસોલ, રાણીગંજ, બર્ધમાન સહિતના વિસ્તારોમાં સ્થિતિ સ્ફોટક છે, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને દુર્ગાપુર નહીં જવા તાકીદ કરી છે.

You might also like