સેબીએ એ‌ગ્રી ફ્યૂચર્સના નિયમો વધુ કડક કર્યા

મુંબઈ: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ એગ્રી કોમોડિટી ફ્યૂચર્સ સાથે સંકળાયેલા નિયમો વધુ કડક બનાવી દીધા છે. સેબીએ હવે પોઝિશન લિમિટને લઇને નવા પ્રતિબંધો લાદી દીધા છે. સેબીએ આ પગલાં આ સપ્તાહે એનસીડીઇએક્સ દ્વારા કેસ્ટર સીડ કોન્ટ્રેક્ટ રદ કરવાના નિર્ણય બાદ ઉઠાવ્યા છે.

જોકે અહેવાલો અનુસાર કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સ કેસ્ટર સીડનો વાયદો આગામી છ મહિનામાં ફરી શરૂ કરી શકશે. બીજી બાજુ એનસીડીઇએક્સના હરીફ એક્સચેન્જ એમસીએક્સે પણ કેસ્ટર સીડ વાયદો શરૂ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. જોકે સેબીએ એગ્રી ફ્યૂચર્સ સાથે સંકળાયેલા નિયમોને કડક કરવાના ભાગરૂપે લાઇન ટુ લેવલ પોઝિશન લિમિટ હવે રદ કરવાનો નિર્ણય કર્યો છે.

ક્લાયન્ટ લેવલ માટે કોઇ પણ કોમોડિટીમાં નિયર મન્થ પોઝિશન લિમિટ આ કોમોડિટીમાં ક્લાયન્ટ લેવલની કુલ લિમીટના ૧/૪ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ ૧ માર્ચથી અમલમાં આવશે.  પોઝિશન લિમિટ કોઇ એક ખાસ સિક્યોરિટી કે કોમોડિટીમાં એક રોકાણકાર દ્વારા કરવામાં આવેલા કોન્ટ્રેક્ટની મહત્તમ મર્યાદા હોય છે. લિમિટથી સટ્ટાબાજીને અંકુશમાં રાખવામાં મદદ મળે છે. નિયર મન્થ કોન્ટ્રેક્ટના કારણે મેચ્યોરિટીનો સમય સૌથી ઓછો થઇ જાય છે અને તેના પરિણામે સટ્ટાબાજીને બ્રેક લાગશે. સેબીને નવા નિયમોથી સેગ્મેન્ટમાં ઉતાર-ચઢાવ ઓછા થવાની પણ આશા છે.

You might also like