અમદાવાદની કઇ બેઠક પર છે વધુ અને કઇ બેઠક પર છે ઓછા મતદારો, જાણો…

અમદાવાદ: આવતી કાલે સવારે લાખ્ખો અમદાવાદીઓની ચૂંટણીના ગરમાગરમ માહોલથી મતદાન માટે કરવાની પ્રતીક્ષાનો અંત આવશે. બીજા તબક્કાની કુલ ૯૩ બેઠકમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ ર૧ બેઠકનો પણ સમાવેશ થયો હોઇ આવતી કાલે સવારના આઠ વાગ્યાથી પ્રારંભ થનારા મતદાનમાં શહેરીજનો ઉત્સાહભેર જોડાશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ પર.૭પ લાખથી વધુ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મનપસંદ ઉમેદવારને ચૂંટશે.

અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર સરવૈયા કહે છે, આ એકવીસ બેઠક પૈકી ઘાટલોડિયા બેઠકમાં સૌથી વધુ ૩,પર, ૩૧૬ મતદાર અને દરિયાપુર બેઠકમાં સૌથી ઓછા, ૧,૯પ,પ૬૦ મતદાર નોંધાયા છે. ગત તા.૧૩ જુલાઇ ર૦૧૭એ મતદાર યાદીનો ડ્રાફટ રોલ પ્રસિદ્ધ થયો હતો. તે વખતે કુલ પ૧.૩૩ લાખ મતદાર નોંધાયા હતા.

જ્યારે ગત તા.રપ સપ્ટેમ્બર ર૦૧૭એ પ્રસિદ્ધ થયેલી પહેલી પુરવણી યાદીમાં ૭૬,૩૧પ મતદાર ઉમેરાયા હતા. ગત તા.રપ ઓક્ટોબરે પ્રસિદ્ધ થયેલી બીજી પુરવણી યાદીમાં વધુ ૧૭,પર૧ મતદાર ઉમેરાયા હતા. છેલ્લી અને ત્રીજી પુરવણી યાદી ગત તા.૧૬ નવેમ્બરે પ્રસિદ્ધ થઇને કુલ પર.૩ર લાખ મતદારમાં વધુ ૪ર,ર૭૯ મતદારનો ઉમેરો થવાથી હવે કુલ પર.૭પ લાખથી વધુ મતદાર નોંધાયા છે. જે પૈકી ર૭,૬ર,૦૭૭ પુરુષ અને રપ,૧ર,૮૮૩ મહિલા ઉમેદવાર અને ૧ર૦ તૃતીયપંથી મતદાર છે.

અમદાવાદ જિલ્લાની તમામે તમામ ર૧ બેઠક માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુલ પ૪પ૧ મતદાન મથક ઊભા કરાયા છે. ઘાટલોડિયામાં સૌથી વધુ ૩૬૧ મતદાન મથક છે. વીરમગામમાં ૩પ૪, દસ્ક્રોઇમાં ૩પ૧ અને વેજલપુરમાં ૩ર૪ મતદાન મથક છે. દરિયાપુરમાં સૌથી ઓછા ૧૮૩ મતદાન મથક છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની ૧૬ બેઠક પૈકી દરિયાપુર અને દાણીલીમડા બેઠક કોંગ્રેસ પાસે હતી. આ બન્ને બેઠકના સિટિંગ ધારાસભ્ય ક્રમશઃ ગ્યાસુદ્દીન શેખ અને શૈલેશ પરમારને રિપિટ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારની વીરમગામ બેઠક પરથી કોંગ્રેસના ડો.તેજશ્રીબહેન પટેલ તો સાણંદ બેઠક પરથી કરમશી પટેલ જીત્યા હતા.

જોકે આ બંને સિટિંગ ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ભાજપમાં જોડાતાં ડો.તેજશ્રીબહેન પટેલ ‘કમળ’ના પ્રતીક પર વીરમગામથી ચૂંટણી લડી રહ્યાં હોઇ વીરમગામમાં લાખા ભરવાડને પસંદ કરાયા છે. સાણંદમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ મકવાણા અને ભાજપનાં ઉમેદવાર પુષ્પાબહેન ડાભી છે.

You might also like