સીલિંગ વિવાદઃ કેજરીલાલની ભૂખ હડતાળ પર જવાની ધમકી

નવી દિલ્હી: દિલ્હીમાં સીલિંગના મુદ્દે રાજનીતિ તેજ બની ગઇ છે. આ મુદ્દાનો અત્યાર સુધી ન દિલ્હી સરકાર કોઇ ઉકેલ લાવી શકી છે કે ન તો કેન્દ્ર સરકાર તરફથી કોઇ નક્કર પહેલ કરવામાં આવી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો છે.

તેઓ તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરવા માગે છે. સાથે સાથે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સીલિંગના મુદે ભૂખ હડતાળની ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો ૩૧ માર્ચ સુધીમાં સીલિંગની કાર્યવાહીને બ્રેક મારવામાં નહીં આવે અથવા તો કેન્દ્ર સરકાર તરફથી કોઇ વટહુકમ જારી કરવામાં નહીં આવે તો તેઓ ખુદ ભૂખ હડતાળ પર બેસી જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેેલા એક પત્રમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીમાં વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી રહી છે. આ વેપારીઓ પ્રામાણિકતાપૂર્વક બિઝનેસ કરે છે અને સરકારને ટેકસ આપે છે. સીલિંગના કારણમાં કાનૂની વિસંગતતાઓ છે. આ વિસંગતાઓ દૂર કરવાની જવાબદારી કેન્દ્ર સકારની છે.

આ સમસ્યાનું એક જ સમાધાન છે. સંસદમાં ખાસ વિધેયક લાવીને તાત્કાલિક વિસંગતતાઓ દૂર કરવામાં આવે અને હજારો વેપારીઓને બેરોજગાર થતા બચાવવામાં આવે. પોતાના પત્રમાં કેજરીવાલે પીએમને અત્યાર સુધી સીલ કરવામાં આવેલ દુકાનોના સીલ દૂર કરીને ખોલી આપવા માગણી કરી છે. આ પત્ર બાદ કેજરીવાલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને મળવાનો સમય માગ્યો છે.

You might also like