સમુદ્રની સપાટી વધતી રહેશે તો મુંબઇ, કોલકાતા સહિત ર૦ શહેરો ડૂબી જશે

નવી દિલ્હી: વૈજ્ઞાનિક અભિપ્રાય આપનારી પત્રિકા જનરલ સાયન્સે પોતાના રિવ્યુ રિપોર્ટમાં એવી આશંકા વ્યકત કરી છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન જો બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધતું રહેશે તો સમુદ્રની સપાટી ઓછામાં ઓછી ર૦ ફૂટ એટલે કે છ મીટર વધી જશે. જેને કારણે મુંબઇ, કોલકાતા સહિત ર૦ મોટાં શહેરો ડૂબી જવાનો ખતરો ઊભો થશે.

સમુદ્રની સપાટી વધવાનો અર્થ એ છે કે પૃથ્વીનો ૪,૪૪,૦૦૦ ચોરસ માઇલ વિસ્તાર આપણે ગુમાવી દઇશું. તેનાથી ૩૭ કરોડ લોકો પ્રભાવિત થશે. આજે પેરિસમાં શરૂ થનાર કલાઇમેટ ચેન્જ પરની શિખર પૂર્વે આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ શિખરનો હેતુ દુનિયાના સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસના સંભવિત વધારાને રોકવાનો છે. યુએન પ્રથમ વાર કલાઇમેટ ચેન્જ સાથે કામ લેવા માટે ગ્લોબલ ડીલ પર તમામ દેશોની મંજૂરી ઇચ્છે છે.

સમુદ્રની સપાટીમાં છ મીટર વધારો થવાના પગલે જે ટોચનાં ર૦ શહેરો ડૂબી જવાનો ખતરો છે તેમાં મુંબઇ, કોલકાતા, શંઘાઇ, હોંગકોંગ, તાઇઝોઉ, તાનજીન, નાતોંગ, લિયાનયુગેંગ, જિયાગમેન, શાંતોઉ, હુઆઇન, ઓશાકા, ટોકિયો વગેરેનો સમાવેશ થાય છે.

વૈજ્ઞાનિકોએ સૌથી વધુ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન કરનાર દેશ ચીન પર તાપમાન વધવાની સૌથી વધુ અસર પડશે એવી શંકા વ્યકત કરી છે. ગ્રીન હાઉસ ગેસની બાબતમાં અમેરિકા બીજા નંબરે હોવાથી તેને પણ ઘણું નુકસાન થશે. ૧૯૭રથી ર૦૦૮ વચ્ચે સમુદ્ર સપાટી વધવાનું મહત્વનું કારણ ગ્લેશિયરનું ઓગળવું અને હિમાચ્છાદિત શિખરો ઘટવાનું હોવાનું જણાવાય છે.

You might also like