શાસ્ત્રોનાં પાણીદાર ઉત્તમ મોતી

આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રો તથા પુરાણોમાં કેટલીક અદ્ભુત વાતો લખી છે. મનુષ્યો જો તેને અનુસરે તો તેનાં જીવનમાં કોઇ દુઃખ ઉત્પન્ન થતું નથી. જો ભાગ્યવશાત્ દુઃખ આવી પણ પડે તો તેને તેનો કોઇ રંજોગમ થતો નથી. મહાત્મા નરસીં મહેતાનાં પત્ની માણેક મહેતી ગુજરી ગયાં. નરસીં ભગત બે હાથમાં કિરતાર વગાડતા વગાડતા નાચવા લાગ્યા કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ. સંત મહાત્મા, જ્ઞાની તો પરમ દુઃખની ક્ષણોમાં પણ પરમ આનંદ અનુભવે છે. શાસ્ત્રોનો સાર જે મગજમાં બેસાડે છે તે મનુષ્ય આ જન્મ સહિત બીજા જન્મોમાં પણ અપાર સુખ અનુભવે છે. આવો આપણે શાસ્ત્રોમાંથી કેટલાંક ઉત્તમ મોતી જોઇ તેનું મૂલ્ય સમજીએ.

સવારનાં પ્રાતઃ કર્મો પતાવી દેવસેવા અવશ્ય કરવી. ભક્તિપૂર્વક સ્તોત્ર કે પાઠ પણ કરવો. ઇશ્વર સ્મરણ કરવાથી દુઃખ તથા દુઃસ્વપ્નનો નાશ થાય છે. દેવ, ગાય, બ્રાહ્મણના માર્ગમાં, રાજમાર્ગમાં, ચાર રસ્તે, ઢોર બાંધવાની જગામાં, પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં કુદરતી હાજતે કદી ન જવું. સ્વધર્મ તથા ગોત્ર ધર્મ કદી ન છોડવા. આમ કરવાથી અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ખરાબ વચન બોલવાં નહીં. અસત્ય તથા કડવંુ વેણ કોઇને કહેવાં નહીં. વેદ, શાસ્ત્ર, સ્મૃતિ, પુરાણની િનંદા કદી કરવી નહીં. તેમાં લખેલી બાબતોમાં શંકા કદી સેવવી નહીં.

ન્યાતમાં નિંદાપાત્ર થવું નહીં. જૂઠાની મૈત્રી કદી ન કરવી. હિંસા, ચોરી, અપ્રામાણિકતામાં રાચવું નહીં. ધનનો વ્યય કદી કરવો નહીં. પરસ્ત્રીમાં આસક્તિ ન રાખવી. પરસ્ત્રીને માતા સમાન ગણવી. કુટુંબ, સમાજમાં સંપીને રહેવું. ઉત્તમ મનુષ્યોએ પારકા ધનને તથા પારકી સ્ત્રીને માટી સમાન ગણવાં જોઇએ. ઘરમાં શાંતિ જળવાઇ રહે તેમ વર્તવું.

વડીલોનો સદા આદર કરવો. મનના વિકાર તથા વિકૃતિને દૂર રાખવાં. દેવાલય, પીપળો, બ્રાહ્મણ તથા ગુરુજન કે પૂજ્યજનો સદા આદર કરવો. બને તો તેમને નમન કરવું. શક્ય હોય તો તેમની પ્રદક્ષિણા ફરવી. બીજાએ વાપરેલી ફૂલમાળા, અન્ન, પાન, વસ્ત્ર વાપરવાં નહીં.

માથું હંમેશાં પલાળીને જ નહાવું. ચૂલો, ધાવણું બાળક, સ્ત્રી, ઊનાં પાણીનાં ઊડેલાં બિંદુ, આટલી વસ્તુઓ સ્વભાવથી જ પવિત્ર હોય છે. તેથી તેની અરુચિ ન રાખવી. ખોદવાથી, બાળવાથી, વાળવાથી, ગાયનાં પગલાં પડેલી જમીન શુદ્ધ જ માનવી. હંમેશાં ઇશ્વર સ્મરણ કર્યાં કરવું.

દુઃખી, પીડિત લોકોની સહાય કરવી. સત્ય હંમેશાં બોલવું. કોઇનાં નિંદા કે કૂથલી કરવાં નહીં. માનવતાપૂર્વક વર્તવું. પડવો, ત્રીજ, પાંચમ, સાતમ, નોમ, અગિયારશ, તેરશ, પૂનમ, અમાસે ભગવાન વિષ્ણુનું સ્મરણ તથા પૂજન કર્યા કરવું. આ બધી તિથિએ વેદધર્મ તથા શાસ્ત્રોના વિચારોને અનુસરવું.

હંમેશાં પીપળાને જળ પ્રદક્ષિણા કરવી. તે વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ જપવો. આ શ્રેષ્ઠ મંત્ર હોવાથી તેનું મનમાં જ સતત રટણ કરવું. આ રટણ તમારા ચાલુ જીવનને ઉત્તમ બનાવશે, આવતા જન્મોમાં તમને ઉત્તમ કુળમાં જન્મ આપી પરમ િવષ્ણુભક્ત બનાવશે. ગરીબ ગુરબાનો કદી તિરસ્કાર ન કરવો. આંગણે આવેલાનું અપમાન ન કરવું. હંમેશાં આનંદમાં રહેવું. પોતાના ઇષ્ટદેવ તથા કુળદેવીને સદા ભજવા.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like