અંતરિક્ષમાં બેક્ટેરિયા કોટેડ બ્રોકલીનાં બીજ મોકલતા વિજ્ઞાનીઓ

વોશિંગ્ટન: અંતરિક્ષ યાત્રિકો તેમના માટે શાકભાજી ઉગાડી શકે તે માટે વિજ્ઞાનીઓએ અંતરિક્ષમાં સારા પ્રકારનાં બેક્ટેરિયા કોટેડ બ્રોકલીનાં બીજ મોકલાવ્યાં છે. જો આવો પ્રયાસ સફળ થશે તો એક દિવસ મંગળ અથવા ચંદ્ર પર શાકભાજી ઉગાડવાનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે.

તાજેતરમાં વેલપ્સ આઈલેન્ડ પર લોન્ચ કરવામાં ‍આવેલા એટીકે સાઈગ્નસ સ્પેસ ક્રાફ્ટથી બ્રોકલીનાં છ બીજ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં છે, તેમાંથી ત્રણ બીજ તેના મૂળ સ્વરૂપમાં છે જ્યારે અન્ય ત્રણ પર સારા બેક્ટેરિયાનું કોટિંગ કરવામાં આ‍વ્યું છે.

આ બેક્ટે‌રિયા પ્લાન્ટની અંદર રહી શકે છે અને તેનો વિકાસ સારી રીતે કરી શકે છે. આ લાભદાયી માઈક્રોબ્સ કે જેને ઈન્ડોફાઈટ્સ પણ કહેવામાં આવે છે, જે અત્યંત ઓછા ગુરુત્વાકર્ષણવાળા વાતાવરણમાં પણ કોઈ પ્લાન્ટની સારી વૃદ્ધિમાં મદદરૂપ બની શકે છે.

આવી બાબત એવા વાતાવરણમાં શક્ય બની શકે છે કે જ્યાં પાણી અથવા પોષક તત્ત્વો ઓછાં હોય. આવી કવાયત પાછળ કેલિફોર્નિયાના સેન જોસ ખાતેની ક્રિસ્ટિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીની મહેનતનું પરિણામ કારણભૂત માની શકાય છે, જેનો મુખ્ય હેતુ સ્પેસ સ્ટેશનની માઈક્રો ગ્રેવિટીવાળી પરિસ્થિતિમાં શાકભાજી ઉગાડવાની કોશિશ કરવાનો છે.

આ વિદ્યાર્થીઓ આવી કોશિશ બાદ આવા આધારે જ ચંદ્ર અને મંગળ સુધી તેના પ્રયાસ કરવા માગે છે. આ પહેલમાં કુલ ૧૧ વિદ્યાર્થી સામેલ છે. સંશોધનકારોનો દાવો છે કે આ માટે ધરતી પર કરવામાં આવેલા પ્રયાસમાં સફળતા મળી છે તેના પરથી એવું તારણ કાઢી શકાયું છે કે પ્રાકૃતિક માઈક્રોબ્સની મદદથી પ્લાન્ટ સૂકા અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓનો સારી રીતે સામનો કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળ ગ્રહમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસની માત્રા મર્યાદિત હોય છે.

You might also like