ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરની ઉત્પત્તિ રોકવામાં વિજ્ઞાનીઓ સફળ થયા

જી‌નિવા: ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બીમારીઓ ફેલાવતા મચ્છરથી છુટકારો મેળવવાની દિશામાં ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ મોટી સફળતા મેળવી છે. તેમણે આ અંગે એક નવતર પ્રયોગ હાથ ધરી ક્વિન્સલેન્ડ શહેરમાં આવા ૮૦ ટકા જેટલા મચ્છરનો સફાયો કરી નાખ્યો છે.

આ માટે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા સીએસઆઈઆરઓના સંશોધનકારોએ જેમ્સ કૂક યુનિવર્સિટી (જેસીયુ)ની લેબમાં લાખોની સંખ્યામાં એડિસ ઈજિપ્ત પ્રજાતિના નર મચ્છર પેદા કર્યા હતા અને આ મચ્છર પર વુસ્વેશિયા નામના બેકટે‌િરયાથી પ્રયોગ કર્યો હતો, જેના કારણે આવા મચ્છરની પ્રજનનક્ષમતા નાશ પામી હતી.

ત્યારબાદ તેને આ પ્રયોગ માટે પસંદ કરેલા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા હતા, જ્યાં તેના સંપર્કમાં આવવાથી એડિસ ઈજિપ્ત પ્રજાતિના જે માદા મચ્છરે ઈંડાં મૂક્યાં હતાં તેમાંથી કોઈ મચ્છર પેદા થયા ન હતા. પરિણામે ત્રણ માસમાં આ વિસ્તારમાં મચ્છરની ઉત્પત્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ નવતર પ્રયોગ અંગે જેસીયુના સંશોધનકાર કાયરેન સ્ટાનટને જણાવ્યું કે દર વર્ષે લાખો લોકોને અસર કરનારા આ ખતરનાક મચ્છરની ઉત્પત્તિને અટકાવવાની દિશામાં અમારો આ પ્રયોગ મહત્ત્વપૂર્ણ પગલા સમાન છે. હવે જોવાનંુ એ રહેશે કે આ પ્રયોગ અન્ય વિસ્તારમાં સફળ થઈ શકે છે કે કેમ?

આ અગાઉ પણ આવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે નર મચ્છરની ઓળખ કરવી અને તેની પ્રજનનક્ષમતા સી‌િમત રાખવાની બાબત મોટા પડકાર સમાન હતી. તેથી તેને દૂર કરવા માટે ગૂગલની મૂળ કંપની અાલ્ફાબેટ દ્વારા વિજ્ઞાન કંપની વરીલીએ પ્રયોગશાળામાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની નવી ટેકનિક વિક‌િસત કરી છે. વરીલીના નિગલ નોઆડે જણાવ્યું કે અમે અમારા આ પ્રયોગની સફળતાથી ખુશ છીએ અને હજુ પણ આ દિશામાં નવા પ્રયોગો ચાલુ રાખવામાં આવશે.

You might also like