વિજ્ઞાનીઓએ વ્યક્તિના મગજના વિચારોને વાંચી તેનું ભાષાંતર કરતું મશીન બનાવ્યું

લંડન: વિજ્ઞાનીઓ દ્વારા વ્યક્તિનાં મગજનાં વિચારોને વાંચીને તેનું ભાષાંતર કરતું મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીન વિચારો જાણીને તેનું તરત ભાષાંતર કરે છે અને તેને ટેક્સ્ટમાં રજૂ કરે છે. મગજનાં વિચારોનું સચોટ ભાષાંતર કરવામાં આ મશીન ૯૦ ટકા સફળ પુરવાર થયું છે.

આપણા મગજમાં ઉદ્ભવતા સ્વર અને વ્યંજનોનું તેનાં દ્વારા ભાષાંતર કરવામાં આવે છે અને તેને ટેકસ્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જે વ્યક્તિ બોલી શકતી નથી કે તેનાં શરીરનું હલનચલન કરી શકતી નથી તેવી વ્યક્તિ માટે આ મશીન આશીર્વાદરૂપ પુરવાર થશે.

આપણા મગજમાં ઉદ્ભવતા વિચારોનું વાક્ય બનાવવા માટે સ્વર અને વ્યંજનનો મગજ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે અને મગજ દ્વારા તે અભિવ્યક્તિ સ્વરૂપે બોલીને રજૂ કરવામાં આવે છે. નવા મશીનમાં બોલવાને બદલે આ મશીન સ્વર અને વ્યંજનોનું ટેકસ્ટમાં રૂપાંતર કરશે અને તે વાક્યો કે પેરેગ્રાફ સ્વરૂપે રજૂ કરશે.

ચેતાતંત્રનાં સંકેતોની મદદથી આ મશીન મગજમાં ઉદ્ભવતા વિચારોનું ભાષાંતર કરશે અને તરત જ તેને ટેકસ્ટમાં રજૂ કરશે. આ મશીન એવા શબ્દોનો ઉપયોગ કરશે જે આપણે કદાચ પહેલાં સાંભળ્યા પણ ન હોય.

ચેતાતંત્રના સંકેતો દ્વારા વાક્યોનું વર્ગીકરણ કરાશે પણ તેને પ્રકાશિત કરી શકાશે નહીં તેમ આ મુદ્દે અભ્યાસ કરનાર ડેવિડ મોસેસે જણાવ્યું હતું. આ મશીનનો સ્પીચ પ્રોથેસ્ટિક ડિવાઈસ તરીકે પણ ઉપયોગ કરી શકાશે.

જો કે કેટલાક લોકોએ આ મશીનની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક કિસ્સામાં મશીન દ્વારા મગજમાં ઉદ્ભવતા વિચારો ગુપ્ત રાખવાનાં હોય તેનું પણ ભાષાંતર કરીને તેને જાહેર કરી દેવામાં આવી શકે છે. આમ આ મશીનની તે નકારાત્મક બાબત હશે. આ ડિવાઈસ કેલિફોર્નિયા યુનિર્વિસટી દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

You might also like