વિજ્ઞાનિકોને મળી સફળતા, હવે ઇજા થયેલી સ્કીન પણ લાગશે ચમકવા

બીજિંગ: વિજ્ઞાનીઓને એક એવી ઈલેક્ટ્રોનિક ‌સ્કિન વિકસાવવામાં સફળતા મળી છે કે જેમાં ઈજા થતાં તે જગ્યા ચમકવા લાગશે. આ શોધ જેલી ફિશથી પ્રેરાઈને કરવામાં આવી છે, ઊંડા સમુદ્રમાં વધુ દબાણ આવતાં જ જેની સ્કિન વધુ ચમકવા લાગે છે.
વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરાયેલી આ ત્વચા સમગ્ર રીતે સંવેદનશીલ છે. અને તેનો પ્રયોગ કૃત્રિમ અંગોના નિર્માણ અને રોબોટ્સની ત્વચા બનાવવા માટે કરી શકાશે, જેનાથી દબાણ-સ્પર્શ અને હવાનો અહેસાસ થઈ શકશે. આ ત્વચા એટલી સંવેદનશીલ છે કે તે સ્પર્શ થતાં જ દબાણનો અહેસાસ કરી શકે છે. આ ઉપરાંત તે હવાનો કુદરતી રીતે અહેસાસ કરવામાં પણ સક્ષમ છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સ્કિન એટલી નાજુક છે કે તેના પર થોડું વધુ દબાણ આવે તો પણ તેને નુકસાન પહોંચી શકે છે અને તેની સંવેદનશીલતાની અસર ઘટી જાય છે.

હાનિકારક ઝટકા વખતે તેનાં સેન્સર સારી રીતે કામ કરી શકતા નથી. તેથી તેને વધુ સારી બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એસીએસ એપ્લાઈડ મેટીરિયલ્સ એન્ડ ઈન્ટરફેસેજ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ ચીનની હ્યુજોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ એટોલા જેલી ફિશથી પ્રેરાઈને આ ઈલેક્ટ્રોનિક ત્વચા તૈયાર કરી છે, જેમાં ઊંડા સમુદ્રમાં રહેનારો આ જીવ વાતાવરણના દબાણમાં થતા પરિવર્તનને અનુભવી શકે છે અને ખતરાના સંકેત મળતાં જ તે નાટકીય રીતે ચમકી ઊઠે છે, તેનાથી પ્રેરાઈને વિજ્ઞાનીઓને એક એવી ત્વચા વિકસાવવાનો વિચાર આવ્યો કે જે શારીરિક રીતે ઈજા લાગતાં તેને દૃશ્ય ચેતવણી આપી શકે. આ માટે વિજ્ઞાનીઓએ ઈલેક્ટ્રિક અને ઓપ્ટિકલ પ્રણાલીને સંયો‌િજત કરી એવી અનોખી ઈલેક્ટ્રોનિક ત્વચા વિક‌િસત કરી છે કે જે ઓછા અને વધુ એમ બંને પ્રકારના દબાણને પારખી શકે છે.

આ રીતે તૈયાર કરવામાં આવી સ્કિન
ઈલેક્ટ્રોનિક સ્કિન તૈયાર કરવા માટે વિજ્ઞાનીઓએ ચાંદીના નેનો તારને પોલીડાઈમેથિસિલોસેન (પીડીએમએસ)નાં બે પડ સાથે સમન્વિત કરી છે અને આ પડ હવા અથવા પાંદડાંના સંપર્કમાં આવતાં તેનાથી ઊભા થતા થોડા દબાણથી પણ ઈલેક્ટ્રિકલ સિગ્નલ તરીકે બહાર આવે છે. આ પડ પર દબાણ આવતાં જ તે તરત ચમકી ઊઠે છે અને જેમ જેમ દબાણ આવે છે તેમ તેમ તેની તીવ્રતા પણ વધતી જાય છે.

You might also like