અાજે સાંજે ધો. ૧ર સાયન્સ (સેમેસ્ટર-૪) અને ગુજકેટનું પરિણામ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર સાયન્સ (સેમેસ્ટર-૪) અને ગુજકેટનું પરિણામ અાજે સાંજે ૪-૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા પરિણામ જાહેર કરવામાં અાવશે, ત્યાર બાદ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકશે. ગત માર્ચ-ર૦૧૬માં લેવાયેલી ધો. ૧ર સાયન્સ (સેમેસ્ટર-૪)ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧.૩૮ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા અાપી હતી, જ્યારે ગુજકેટ-ર૦૧૬ની પરીક્ષા ૬૭,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અાપી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા ૮ માર્ચથી ધો. ૧ર સાયન્સ (સેમેસ્ટર-૪)ની પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવાયું હતું. અા કામગીરી તા.૧૫ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરીને સમીક્ષા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. તમામ કામગીરી પૂર્ણ થતાં હવે અાજે ધો. ૧ર સાયન્સ (સેમેસ્ટર-૪)નું પરિણામ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર કરશે. અા સાથે ગુજકેટનું પરિણામ પણ અાજે જ જાહેર કરી દેવાશે. ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૬૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૬૭,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ દ્વારા હવે પછી ધો. ૧૦નું પરિણામ ૨૪ મેના રોજ જાહેર કરવાનું નક્કી કરાયું છે. ત્યાર બાદ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે.

You might also like