હિમાચલ પ્રદેશ: ધર્મશાળામાં વરસાદે 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો: વાદળ ફાટવાથી તબાહી મચી

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં છેલ્લા ર૪ કલાકથી વરસી રહેલા ભારે વરસાદથી ઘણું મોટું નુકસાન થયું છે. કાંગડામાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બિલાસપુરમાં લેન્ડ સ્લાઈડથી ચંડીગઢ-મનાલી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. હિમાચલના ત્રણ જિલ્લાઓમાં આજે રજાનું એલાન કરી દેવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ૬૦ વર્ષ બાદ આવો રેકોર્ડતોડ વરસાદ થયો છે. છેલ્લા ર૪ કલાકમાં અતિભારે વરસાદ (એક્સ્ટ્રીમલી હેવી) થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાનખાતાના શિમલા કેન્દ્રની માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં અહીં સાડા અગિયાર ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે.

ચંબા જિલ્લાના પાંગીમાં વાદળ ફાટવાથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઘણાં વાહનો ફસાઈ ગયાં છે. મંડીમાં અતિભારે વરસાદ પડ્યા બાદ બાગી પરાશરમાં પણ બાદળ ફાટ્યું હતું અને મોટી તબાહી મચી ગઈ હતી. પઠાણકોટ-મંડી નેશનલ હાઈવે પર ઘટાસનીથી મંડી સુધી અનેક સ્થળો પર ભૂસ્ખલન થવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

કોટારોપીમાં નાળાનું પાણી રસ્તા પર આવી જતાં અનેક મકાનો તણાઈ ગયાં હતાં અને તેનો કાટમાળ છેક નેશનલ હાઈવે સુધી આવી ગયો છે. મોડી રાતથી જ આ સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર બિલકુલ બંધ છે.

મંડીને અન્ય શહેરો સાથે જોડતો વૈકલ્પિક રસ્તો ઘટાસની ઝટિંગરી વાયા ઘોઘરધાર અને પદ્ધર-નોહલી પણ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો છે. આ કારણે અનેક વાહનો હજુ પણ ફસાયેલાં જ છે.

ભારે વરસાદના કારણે કાંગડા જિલ્લા સહિત મંડીના પદ્ધર અને ચંબાના ડેલહાઉસી અને ભટિયાતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં ત્રણ નેશનલ હાઈવે ચંબા-ભરમૌર, પઠાણકોટ-મનાલી અને કિન્નૌકના નિગુલસેરી નજીક નેશનલ હાઈવે-પ સહિત ૧૦૦થી પણ વધુ રોડ સાવ ધોવાઈ ગયા છે અને ત્યાં વાહનવ્યવહાર સદંતર બંધ છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ૬ ઓગસ્ટ, ૧૯પ૮ના રોજ ધર્મશાળામાં ૩૧૬.૪ એમએમ (અંદાજે સાડા બાર ઈંચ) વરસાદ પડ્યો હતો. ૬૦ વર્ષ બાદ અહીં ર૪ કલાકમાં ઓટલો વરસાદ વરસી ગયો છે.

પ્રદેશમાં યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આગામી ર૪ કલાક હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ ઉત્તર ભારતના ચાર સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદથી મોટી તબાહી અને તારાજી થઈ છે. ભારે વરસાદ દરમિયાન યુપીના બિજનૌરની ગંગા નદીમાં ર૭ લોકો સવાર હતા એવી એક હોડી પલટી ગઈ હતી.

ઘણા કલાકોની મહેનત અને રેસ્ક્યૂ ઓપરેશન બાદ ૧૮ લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ બાકીના આઠ લોકો હજુ પણ લાપતા છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. લાપતા થયેલા લોકોને શોધી કાઢવા હેલિકોપ્ટર કામે લગાડાયાં છે. ત્રણ અલગ અલગ સ્થળો પર સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.

ઉત્તર ભારતનાં ચાર રાજ્ય પર વરસાદી આફત ઊતરી છે. સરકારીતંત્ર પુરજોશમાં લોકોને બચાવવાનું અને રાહત પહોંચાડવાનું કામ કરી રહ્યું છે, પરંતુ રાજ્યના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ગયા હોવાથી મદદ પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

You might also like