લાંભાની શાળામાં ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરતાં બાળકો

અમદાવાદ: શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ભણાવવા આવા કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ શાળામાં વિદ્યાર્થીઓ કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરે છે તેની પર કોઈ ધ્યાન અપાતું નથી. વાત છે શહેરના લાંભા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની છે. જર્જરિત હાલતમાં હોઇ તાકિદે રિપેર કરવાની માગણી કરવામાં આવી હતી. આ શાળાનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે. અહીં ભણતાં બાળકો અને શિક્ષકો પર સતત જોખમ તોળાયેલું રહે છે.

અમદાવાદમાં આવેલી લાંભા સરકારી પ્રાથમિક સ્કૂલની હાલત રોગચાળાને આમંત્રણ આપતી શાળા છે. શાળામાં અભ્યાસ તો કરાવવામાં આવે છે પણ કાટમાળ બની ગયેલા મકાનમાં વિદ્યાર્થીઓને એ ચિંતા કોરી ખાય છે કે શાળામાં જવું તો કેવી રીતે શાળામાં પ્રવેશતાં જ કચરાના ઢગલા જોવા મળે છે. વરસાદમાં સ્કૂલના ચારે બાજુ કાદવ કીચડ થઈ જાય છે. વિદ્યાર્થીને વર્ગ ખંડમાં જવું હોય તો કાદવ કીચડમાં થઈને જવું પડે છે.આ સ્કૂલમાં કોઈ શિક્ષક કે પ્રિન્સિપાલને આ ગંદકી નજરે પડતી નથી. સ્કૂલ છેલ્લાં ત્રણ વર્ષથી ખંડેર હાલતમાં છે.

લાંભાની સ્કૂલમાના ઓરડામાં પ્રવેશ કરવામાં આવે છે તો કોઈ પણ ખૂણાથી જુઓ તો લાગે નહિ કે શિક્ષણનું મંદિર હશે, શાળાના ઓરડામાં ક્યારેય સફાઈ જ થતી નથી. વર્ગોમાં કરોળિયાના જાળાં બાઝી ગયાં છે. પ્લાસ્ટર ઊખડી ગયું છે અને ધાબાનો સ્લેબમાંથી પણ ગમે ત્યારે પ્લાસ્ટરના પોપડા પડે તેવી ભીતિ રહે છે.

ગંદકી અને કચરાને લીધે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર માઠી અસર થઇ રહી છે. શાળા દ્વારા આ અંગે અનેક વખત રજૂઆત કર્યા પછી કશાંય પગલાં લેવામાં આવ્યાં નથી. સ્થાનિકોની રજૂઆતો પણ તંત્ર ઘોળીને પી ગયું છે. આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ જિગરભાઇ પાઠકે જણાવ્યું કે લાંભા ગામ કોર્પોરેશન હસ્તક છે અને સ્કૂલ જિલ્લા પંચાયતમાં આવે છે. અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે કે નવા સત્રમાં સ્કૂલ નવી બનાવવા માટે બજેટ ફાળવવામાં આવે તો આ સ્કૂલની સમસ્યાનો ઉકેલ આવી જશે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી એમ. કે. રાવલનો વારંવાર સંપર્ક કરાતાં તે થઈ શક્યો ન હતો.

You might also like