પુત્રને સ્કૂલે મૂકવા આવેલી પરિણીતાને યુવકે બાથમાં ભીડી છેડતી કરી

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર મહિલા અસુરક્ષિત બની છે. શહેરના પાલડીના ચંદ્રનગર વિસ્તારમાં પુત્રને સ્કૂલે મૂકવા આવેલી એક પરિણીતાને નેપાળી યુવકે બાથમાં ભીડી લઈ તેની છેડતી કરી હતી. અચાનક જ આ રીતે યુવકની હરકતથી લોકો પણ અચંબામાં પડી ગયા હતા અને લોકોએ નેપાળી યુવકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેશમાબહેન (નામ બદલેલ છે) પાલડીના ચંદ્રનગર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓનો પુત્ર પાલડીની આનંદનિકેતન સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈ કાલે બપોરના સમયે સ્કૂલ છૂટવાનો ટાઈમ થયો હોવાથી રેશમાબહેન તેમના પુત્રને લેવા એક્ટિવા લઈ ઘરેથી સ્કૂલે જવા નીકળ્યાં હતાં. રેશમાબહેન એક્ટિવા લઈને સ્કૂલ પાસે પહોંચ્યાં ત્યાં અચાનક જ એક નેપાળી યુવક રેશમાબહેનની નજીક આવ્યો અને તેણે રેશમાબહેનને બાથમાં ભીડી લીધાં હતાં. યુવકના આ કરતૂતથી રેશમાબહેન ડઘાઈ ગયાં હતાં અને બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નેપાળી યુવકને ઝડપી લીધો હતો.

આ અંગે પોલીસને જાણ કરાતાં પાલડી પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી. યુવકની પૂછપરછ કરતાં તેનું નામ ભવાનબહાદુર લખીબહાદુર રૂકાક્ષેત્રી (ઉં.વ. ૪૨) (નેપાળી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like