શહેરની શાળાઓમાં RTE હેઠળ સોમવારથી પ્રવેશ કાર્યવાહી

અમદાવાદ: અમદાવાદ શહેર ગ્રામ્યના ૧ર હજાર સહિત રાજ્યભરના ૬૦ હજાર જેટલાં બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એકટ આરટીઇ હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની કામગીરી સોમવાર ૧૭ એપ્રિલથી શરૂ કરવામાં આવશે. ઓનલાઇન ભરવામાં આવેલાં એડમિશન ફોર્મની માહિતી દ્વારા ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીથી સંબંધિત વાલીઓને એસએમએસ મળવાનું શરૂ કરવામાં આવશે. વાલીઓને ત્યારબાદ ઓનલાઇન પ્રવેશપત્ર ડાઉનલોડ કરી જે તે શાળામાં જઇને પ્રવેશ મેળવવાનો રહેશે.

આ તમામ માહિતીની જાહેરાત સોમવારથી કરવાનું શરૂ કરાશે. વર્ષ ર૦૧૭ના આ શૈક્ષણિક વર્ષથી આરટીઇ હેઠળ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. આરટીઇ હેઠળ રપ ટકા પ્રવેશ મુજબ શહેરના ૭૭ જેટલાં કેન્દ્ર પરથી રપ હજારથી વધુ વાલીએ ઓનલાઇન એડમિશન ફોર્મ ભર્યાં છે. શહેરની ૮૮૩ ખાનગી શાળામાં આ વર્ષે ધો.૧માં ૧ર૦૦૬ જેટલા વિદ્યાર્થીને પ્રવેશ મળી શકે તેમ છે. ગત વર્ષે ૧૦૧૪૬ વિદ્યાર્થીને ધો.૧માં પ્રવેશ અપાયો હતો. આ વર્ષે અમદાવાદના ૧ર હજાર સહિત રાજ્યનાં ૬૦ હજાર બાળકને આરટીઇ હેઠળ એડમિશન અપાવવાનો લક્ષ્યાંક રખાયો છે. શહેરની ૧૩૦ થી વધુ લઘુમતી શાળાએ પણ આરટીઇ હેઠળ એડમિશન માટે સંમતિ અાપી છે.

૧લી જૂન ર૦૧૧ અને પછી ૩૦ મે ર૦૧ર પહેલાં જન્મેલાં બાળકના વાલી આરટીઇ હેઠળ તેમના બાળકને ધો.૧માં પ્રવેશ અપાવવાનો લાભ લઇ શકશે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ૪૮ હજાર એડમિશનનો ટાર્ગેટ વધીને ૬૦ હજારનો કરાયો છે. આ વર્ષે આરટીઇ મુજબ રપ ટકાના ધોરણે ૧ર હજાર બેઠક માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સોમવારથી હાથ ધરાશે જેમાં નબળાં વંચિત જૂથનાં બાળકને ધો.૧માં પ્રવેશ અપાશે. ફેબ્રુઆરી માસમાં પ્રવેશ પ્રક્રિયા માટે ફોર્મ ભરાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

અમદાવાદ સહિતની રાજ્યની ૯ હજાર જેટલી ખાનગી શાળામાં આરટીઇ હેઠળ પ્રવેશ અપાશે. છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન ૮૮,૦૦૦ બાળકે આરટીઇ હેઠળ પ્રવેશ મેળવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like