શાળાનું સમારકામઃ ગોલ્ફર્સનો નવો ગોલ

આપણે ત્યાં સરકારી શાળાઓની સ્થિતિ અંગે સૌ કોઈને જાણ હશે જ. રાજ્યમાં આજે પણ અનેક એવી શાળાઓ છે, જ્યાં પૂરતાં પ્રમાણમાં ક્લાસરૂમ, શૌચાલય કે અન્ય પ્રાથમિક સુવિધાઓ નથી. આમ તો આ બધાં કામ સરકારે કરવાના હોય, પરંતુ અમદાવાદની સંસ્થા રાઉન્ડ ટેબલ દ્વારા અમદાવાદ નજીકની એક શાળામાં પ્રાથમિક સુવિધાનાં કાર્યો માટે બીડું ઝડપવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ગોલ્ફ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં એક્ઠા થયેલા ફંડમાંથી આ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

૧૨ ડિસેમ્બરના રોજ અમદાવાદ નજીકના ગોલ્ફ કોર્સ ખાતે યોજાયેલી ગોલ્ફ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી ૮૦ જેટલા ગોલ્ફર્સે ભાગ લીધો હતો. આયોજકોએ ટુર્નામેન્ટના અંતે એકઠા થયેલા રૂપિયા ત્રણ લાખમાં બત્રીસ લાખનું વધુ ભંડોળ ઉમેરીને આ રકમ અમદાવાદ નજીકના રણછોડપુરા ગામની સ્કૂલના સમારકામમાં વાપરવાનું નક્કી કર્યું છે.

૬ ક્લાસરૂમ, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટેનાં અલગ-અલગ શૌચાલય, મધ્યાહ્ન ભોજન ખંડ તથા રમતનાં મેદાન સહિતની અનેક સુવિધાઓ આ રકમમાંથી ઊભી કરાશે. રણછોડપુરામાં આઠ ધોરણ સુધીની શાળા છે, પરંતુ હાલ માત્ર ત્રણ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભણી શકે તેટલી જ વ્યવસ્થા છે.

સવાલ એ છે કે, આ શાળાની આટલી મોટી સમસ્યા ગોલ્ફર્સ ગ્રુપના ધ્યાને આવી તો સરકારી તંત્રને અત્યાર સુધી કેમ ન દેખાઈ? આ કાર્યથી ગોલ્ફર્સ ગ્રુપ મેદાન બહારનો ગોલ પણ પૂર્ણ કરશે.

You might also like