શાળાના નોટિસબોર્ડ પર શિક્ષકોના ફોટા લગાવવાનો આદેશ કાગળ પર

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર જૂન-ર૦૧૬થી શાળાના નોટિસબોર્ડ પર તમામ શિક્ષકોના નામ સાથેના ફોટા મૂકવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો હતો, પરંતુ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવના કારણને આગળ ધરીને મોટા ભાગની શાળાઓ આદેશને ઘોળીને પી ગઇ છે.

શિક્ષણનું સ્તર ઊચું લાવવા માટે સરકાર અનેક જોગવાઇઓ અને આદેશો કરે છે, પરંતુ તેમાંના કેટલાય આદેશનું પાલન શાળા સંચાલકો કરતા નથી આરટીઇ, રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંર્ગગત નવા સત્રની શરૂઆતથી જ અમદાવાદની ૭૦૦થી વધુ શાળાઓ અને રાજ્યની ૩પ હજારથી વધુ શાળાઓને તેમના નોટિસબોર્ડ ઉપર તમામ શિક્ષકોના નામ સાથે ફોટા ચોંટાડવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, પરંતુ ૯૦ ટકાથી વધુ સ્કૂલોમાં તેની અમલવારી માત્ર કાગળ પર જ જોવા મળી છે.

પ્રવેશોત્સવ પહેલાંથી આ આદેશ કર્યાે હોવા છતાં તેનો અમલ થયો જ નથી. શાળાઓનાં નોટિસબોર્ડ પર શિક્ષકોનાં નામ અને ફોટા ઉપરાંત કયા ધોરણમાં કયા શિક્ષક ભણાવે છે તેવી માહિતી મૂકવી પણ ફરજિયાત છે, જેનાથી વાલીઓ જાણી શકે કે તેમનાં સંતાનો કયા શિક્ષક પાસેથી શિક્ષણ મેળવી રહ્યાં છે.

ઉપરાંત શિક્ષકની નિયમિતતા કે અન્ય પાસાંઓની ચકાસણી પણ થઇ શકે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં અપડાઉન કરીને આવતા શિક્ષકના સ્થાને અન્ય શિક્ષક ભણાવતા હોવાની ફરિયાદો શિક્ષણ વિભાગને અવારનવાર મળતી હોવાના કારણે આ પ્રકારનો આદેશ કરાયો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.મહેતાએ જણાવ્યું હતું કે હજુ સુધી સરકારના આ આદેશનો અમલ શાળાઓએ કર્યો નથી. એમ હવે વધુ એક તક શાળાને આપીને તાત્કાલિક આદેશનો અમલ કરવા રિમાઇન્ડર નોટિસ આપવાનું શરૂ કર્યું છે અને સાથે એક ચોક્કસ ફોર્મેટ પણ આપી રહ્યા છીએ. ત્યારબાદ કોઇ શાળા અમલ નહીં કરે તો વધુ કડક પગલાં લઈશું.

You might also like