ફી વધારાની દરખાસ્ત કરનાર તમામ શાળાએ કોઈ ને કોઈ ભૂલ કરી

અમદાવાદ: અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીની રચના થયા પછી અનેક બેઠકો મળી હોવા છતાં હજી સુધી સમિતિ દ્વારા ફી વધારો માગતી એક પણ શાળાની ફી નિર્ધારણ થઈ નથી. ઊંચી ફી વસૂલવા અંગેના વાલીઓના હોબાળા પછી રચાયેલી કમિટી દ્વારા ફી વધારો માગતી ૨૫૨ શાળાનું હિયરિંગ કરાયું હતું. પરંતુ કમિટીમાં નક્કી થયેલા ધારા ધોરણ મુજબના દસ્તાવેજી પુરાવા પૂરતા પ્રમાણમાં એક પણ શાળાએ રજૂ નહીં કરવાના કારણે કમિટી સમક્ષ થયેલી ૨૫૨ શાળાઓની દરખાસ્ત પર હવે કમિટી દ્વારા ૧૫ જુલાઈ બાદ ફરી સુનાવણીનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં કમિટીએ દર્શાવેલા અથવા શાળા સંચાલકો બાકી રાખેલા આધાર પુરાવા રજૂ કરવા પડશે.

ફી નિર્ધારણ કમિટીનાં સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ૬૨૫ શાળાએ ફી અંગે દરખાસ્ત કરી નથી. જ્યારે ૨૩ શાળાએ સરકારી માળખા મુજબ ફી લેવા સંમતિ બતાવી છે. કમિટીની અત્યાર સુધી ૩૫ બેઠક મળી છે. જો કે આ ૨૩ શાળામાં અમદાવાદ શહેરની એક પણ શાળાનો સમાવેશ નથી.

અમદાવાદની કેટલીક શાળાએ ફી ઘટાડાની જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી ઘટાડી નથી. જે શાળાઓએ દરખાસ્ત કરી જ નથી. તેવી ૬૨૫ શાળાને કમિટી દ્વારા નોટિસ ઈસ્યુ કરાઈ છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ મોટાભાગની શાળાએ તેમના ખર્ચની આકારણી બરાબર કરી નથી. યુનિફોર્મ, પુસ્તકો, કમ્પ્યૂટર ફી વગેરે ખર્ચ એક હેડ હેઠળ દર્શાવી રજૂ કર્યા છે, તો કેટલીક શાળાના મકાન અંગેના પૂરતા પુરાવા રજૂ કર્યા નથી. કેટલીક શાળાઓ એવી છે જે એક જ ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી હોવા છતાં બેથી ત્રણ જુદા જુદા નામે સંચાલિત છે. જ્યારે ૨૦૧૫-૧૬ના ઓડિટ રિપોર્ટ હિસાબો ન લખાયા હોવાની કેટલીક શાળઓ રજૂ કરી શકી નથી.

હવે આ શાળા સંચાલકોને કમિટી ફરી દસ્તાવેજોની પૂર્તતા સાથે બોલાવશે. જેમાં શાળાઓએ વિદ્યાર્થી દીઠ ખર્ચ અને આવકના હિસાબો પણ ફરજિયાત રજૂ કરવા પડશે. આ અંગે ડી.ઇ.ઓ. નવનીત મહેતાએ જણાવ્યું હતું કે શાળા સંચાલકોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટસનાં વેરિફિકેશન માટે મુદત આપી હોય. હવે ફાઇનલ રાઉન્ડમાં બધુ ક્લિયર થઇ જશે.
http://sambhaavnews.com/

You might also like