૧૫ હજારથી ઓછી ફી હતી તેવી શાળાઓએ જાતે જ ફી વધારી

અમદાવાદ: રાજ્યભરમાં સ્વનિર્ભર (ખાનગી) શાળાઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા બે દિવસથી શાળા સંચાલકોએ રજૂ કરેલી એફિડેવિટની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. સરકારે નિયત કરેલી ફીથી ઓછી ફી લેતી શાળાઓએ ફીમાં વધારો કરીને સોગંદનામું કરતાં આ તમામ સંચાલકોને કમિટી સમક્ષ સ્પષ્ટતા કરવા માટે બોલાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ઝોનની કુલ ૩પ૩૩ શાળાએ ફી યથાવત્ રાખવા અંગે સોગંદનામું રજૂ કર્યું છે. અમદાવાદ ઝોનમાં અમદાવાદ શહેર, ગ્રામ્ય, જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ, બોટાદ, મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. ઝોન કચેરીમાં ૧૦ જિલ્લાની દરખાસ્તો અને એફિડેવિટ રજૂ થઇ છે તે અન્વયે સૌ પ્રથમ એફિડેવિટની ચકાસણી હાથ ધરાઇ છે. ચકાસણી બાદ જે તે શાળા સંચાલકની એફિડેવિટને કમિટી માન્યતા આપશે. આ તમામ કામગીરી ૧પ દિવસમાં એટલે કે ૧પ જૂન સુધીમાં પૂર્ણ કરી દેવાશે.

દરરોજની ૧પ૦થી ર૦૦ જેટલી એફિડેવિટ ચકાસણી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ઝોનની પ૦૦થી વધુ એફિડેવિટ ચકાસણી થઇ ચૂકી છે તે દરમિયાન કમિટી સમક્ષ આવેલા સોગંદનામા અનુસાર પાંચથી દસ ટકા શાળાઓએ સરકારે નક્કી કરેલા માળખામાં રહીને નિયત મર્યાદા અનુસાર જ ફીનું ધોરણ સ્વીકાર્યું છે, પરંતુ પ્રાથમિક શાળાની ૧પ,૦૦૦, માધ્યમિકની રપ,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિકની ર૭,૦૦૦ ફી નિયમની સામે કેટલીક શાળાઓ કે જે અંદાજે ૧૦,૦૦૦, ૧૭,૦૦૦ કે ૧૯,૦૦૦ ફી વસૂલતી હતી તેમણે સીધો ૬,૦૦૦થી ૭,૦૦૦નો વધારો કરી દીધો છે.

કમિટીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આવી શાળાઓએ ભલે કાયદાની મર્યાદામાં ફી વધારો કર્યો હોય, પરંતુ અચાનક મોટી રકમનો ફી વધારો કાયદેસર હશે તો પણ આવી શાળાના સંચાલકોએ રૂબરૂ આવી ફી વધારા અંગે સ્પષ્ટતા કરવી પડશે. કાયદાની મર્યાદામાં રહીને પણ એક જ વર્ષમાં સંચાલકો બમણી ફી વસૂલી શકશે નહીં.
http://sambhaavnews.com/

You might also like