ફી સહિતના મામલે લડત અાપવા વાલીઅોનું નવું સંગઠન બનાવાશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી શાળાઓમાં ફી ઉપરાંત જુદા જુદા હેડ હેઠળ વસૂલાતાં નાણાંની બેફામ લૂંટ સામે વાલીઓ કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે. પરંતુ વાલી મંડળનેય રાજકારણનું ગ્રહણ નડી જતાં અમદાવાદની ર૦થી વધુ શાળાનું વાલી મંડળ કાલે નવા એજન્ડા અને માગ સાથે લડત લડવા માટે વસ્ત્રાપુર ગાર્ડન રાત્રે ૯ કલાકે બેઠક કરશે. જેમાં મુખ્ય એજન્ડા વાલી મંડળમાંથી રાજકારણ સાથે સંકળાયેલા લોકો કે વાલીઓને બહાર કઢાશે. વાલીઓના આક્ષેપ છે રાજકારણ સાથે સંકળાયેલા વાલી હોદ્દેદારો તેમની શાળા સંચાલકો સામેની લડતને નબળી બનાવે છે. વોઇસ ઓફ પેરેન્ટસના વાલી મંડળની લડત હેઠળ સ્કૂલમાં એચ.બી.કાપડિયા, ઉદ્ગમ, પ્રકાશ, નિર્માણ, નિરમા જેવી શાળાનો સમાવેશ કરાયો છે. આવતી કાલે આ કમિટી ભવિષ્યના કાર્યક્રમો અને વાલીઓનાં હિતમાં શાળા સંચાલકો સામેની લડતનો એજન્ડા તૈયાર કરશે.

વોઇસ ઓફ પેરેન્ટસના પ્રતિનિધિ મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ બારોબાર મીડિયા કે શિક્ષણ વિભાગ સાથે વાતચીત કરી લે છે પરંતુ કોઇ પણ નિર્ણય વાલીઓને પૂછીને જ લેવાય અને ચોક્કસ વ્યક્તિઓ તેનું પ્રતિનિધિત્વ કરે તે માટે નવી કમિટી બનાવાશે.

ગુરુકુળ વિસ્તારમાં રહેતા અાશિષ વોરા કહે છે કે મારો દીકરો ધોરણ ૯માં એચ.બી. કાપડિયામાં ભણે છે દર વર્ષે તેઓ દિલ્હી પબ્લિકેશનનાં ખાનગી પ્રકાશનનાં પુસ્તકો ખરીદાવેે છે.  વાલી ગૌરવ બારોટ કહે છે કે મારો દીકરો ડીપીએસમાં બીજા ધોરણમાં ભણે છે અમારું ૬૦૦ પેરેન્ટસનું ગ્રૂપ શાળા સંચાલકો સામે લડી રહ્યું છે. ટ્રાન્સપોર્ટેશન ફી આ વર્ષે ૪૦ ટકા વધારી દેતાં અમે લડી રહ્યા છીએ. ફીના ચેક શાળાએ લઈ લીધા, પરંતુ હજુ સુધી જમા કરાવ્યા નથી. આવતી કાલે અમે મળીશું નવો એજન્ડા નક્કી કરીશું.

ઘાટલોડિયાના ધર્મેશભાઈ પટેલ કહે છે કે મારો દીકરો ત્રિપદા શાળામાં ભણે છે. દર વર્ષે સ્માર્ટ બોર્ડને નામે શાળામાંથી જુદી જુદી ફી વસૂલાય છે અને બે વર્ષ ફી વધારો અલગ. અમારે વાલી મંડળની સાથે રહીને આ તમામ મુદ્દે દર વર્ષ લડવા તૈયાર રહેવું પડે છે. હવે સરકાર ફી નિર્ધારણ સમિતિમાં વાલી મંડળના સભ્યની નિમણૂક કરે તે મુદ્દે લડીશું.
http://sambhaavnews.com/

You might also like