શાળાઓમાંથી કમ્પ્યૂટરની ચોરી કરતી ટોળકી પકડાઈ

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં આવેેલી જુદી જુદી શાળામાંથી કમ્પ્યૂટરની ચોરી કરતી ટોળકીના ત્રણ શખસોને અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઝડપી લઇ ૧૭ કમ્પ્યૂટર સેટ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જિલ્લામાં બાવળા, ધોળકા, સાણંદ અને વીરમગામ પંથકમાં આવેલી સરકારી શાળાઓમાં કમ્પ્યૂટર સહિતના મુદ્દામાલની અવારનવાર ચોરીઓ થતાં પોલીસે આ પ્રકારના બનાવો અટકાવવા માટે વોચ ગોઠવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વીરમગામ નજીક આવેલા ભડાણા ગામે રહેતા જયેશ ઉર્ફે ભોલો વિષ્ણુભાઈ પટેલ, બાલકૃષ્ણ ઉર્ફે કિશન બળદેવભાઈ ભરવાડ અને મનીષ પ્રભુભાઈ પટેલને ઝડપી લીધા હતા. આરોપીઓએ જુદી જુદી શાળાઓમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જુદાં જુદાં સ્થળોએ છાપા મારી ૧૭ કમ્પ્યૂટર સીપીયુ, કમ્પ્યુટરના એલસીડી મોનીટર નંગ ૧૩, હિટાચીનું એક પ્રોજેક્ટર અને ગુનામાં વપરાયેલ સેન્ટ્રો ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like